બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણી 21મી તારીખે યોજાનારી છે.ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે થરાદ ખાતે ચૂંટણીમાં નવો વળાંક આવ્યો હતો. કોંગ્રેસ નેતા માવજીભાઈ પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસે ટિકિટ ન આપતા નારાજ માવજીભાઈ પટેલ પોતાના સમાજના લોકો અને સમર્થકો સાથે મીટીંગ કરી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
માવજીભાઈ પટેલના મારવાડી પટેલ સમાજના 21 હજાર વોટ પર થરાદની ચૂંટણી માટે મહત્વની ભૂમિકા ભજવશે. 2017માં કોંગ્રેસે માવજીભાઈ પટેલને ટિકિટ ન આપતા તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં અપક્ષ ચૂંટણી લડી માવજીભાઈ પટેલે 42,982 વોટ મેળવ્યા હતા. 1980માં તેઓ જનતા દળમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા ત્યાર બાદ એક વાર કોંગ્રેસ અને બે વાર અપક્ષમાંથી હાર્યા છે. આમ માવજીભાઈ પટેલનો થરાદમાં દબદબો હોવાના કારણે ભાજપની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.