ડીસાઃ રાજ્યમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે. મોટાભાગના ધંધા રોજગાર છેલ્લા એક માસ કરતા વધુ સમયથી બંધ છે. લોકડાઉનની સમય મર્યાદા પૂર્ણતાના આરે છે, ત્યારે ફૂડ વિભાગ કલેક્ટરની સૂચના બાદ એલર્ટ બન્યું છે. એક માસ કરતા વધુ સમયથી ફરસાણ અને મીઠાઈની દુકાન બંધ છે. જેથી તેમાં પડેલો માલ ફરી ઉપયોગમાં ન આવે અને લોકો પડતર મીઠાઈ, ફરસાણ ના આરોગે તે માટે ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાની તમામ મીઠાઇ ફરસાણની દુકાન ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત બુધવારે મુખ્ય મથક પાલનપુર અને ડીસામાં મીઠાઈની દુકાનો બંધ હોવા છતાં દુકાન માલિકને બોલાવી તેમાં પડેલો તમામ માલ નાશ કરવામાં આવ્યો હતો. મીઠાઈના દુકાનદારોએ પણ તંત્રની આ કામગીરીને સહયોગ આપી દુકાનમાં રહેલા તમામ માલ નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી નાશ કરાવ્યો હતો.
નોંધનીય છે કે, કલેક્ટરના હુકમથી આરોગ્યની ટીમે બુધવારે દરોડા પાડતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે, ત્યારે ફરસાણ એસોસિએશનનું માનવું છે. સરકાર 3 તારીખ પછી અમારી દુકાનો ચાલુ કરવવા માટે કોઈ વ્યવસ્થા કરાવે તેવી માગ કરી રહ્યા છે.