બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં મંગળવારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના લાઠીબજાર વિસ્તારમાં આવેલી જતિન ટ્રેડિંગ નામની કંપનીમાં દરોડા પાડીને જાણીતી ત્રણ કંપનીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે વડોદરા મોકલી આપવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાતનું વેપારી મથક ડીસા શહેર ખાધ ચીજવસ્તુની નકલી બનાવટને લઈ કુખ્યાત થયેલું શહેર છે અને ડીસામાથી જાણીતી કંપનીના ખાધ પદાર્થોનું ડુપ્લિકેટિંગ થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે. જેને પગલે મંગળવારે જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડીસા શહેરમાં ઓચિંતી તપાસ માટે પહોંચ્યું હતું.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલી જતિન ટ્રેડિંગ નામની પેઢી પર દરોડા પાડી તિરુપતિ, ફોર્ચ્યુન અને MAP બ્રાન્ડની કંપનીના તેલના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે વડોદરા મોકલ્યા હતા. ડીસામાં મંગળવારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટિમ દ્વારા ઓચિંતી તપાસથી તેલના વેપારીઓમાં ફફડાટ મચ્યો હતો.