બનાસકાંઠા: ચાલુ વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જે બાદ હવે મગફળીનો પાક તૈયાર થતા તમામ ખેડૂતો મગફળી લઈ અને માર્કેટયાર્ડ તરફ વળી રહ્યા છે. હાલમાં સરકારના ટેકાના ભાવ કરતા ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા હાલમાં ડીસા માર્કેટ યાર્ડ મગફળીની આ વખતે ઉભરાઈ રહ્યું છે. જેના કારણે વારંવાર ડીસા માર્કેટ યાર્ડ સંચાલન મંડળ દ્વારા માર્કેટયાર્ડ બંધ કરવાની ફરજ પડે છે. જેના કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે રોજેરોજ ડીસા માર્કેટયાર્ડ દ્વારા મગફળીની હરાજી કરવામાં આવે છે.
"હરાજી બાબતે મેસેજ છોડવામાં આવતા હોય છે. પંરતુ કોઈક કારણસર મેસેજ મિસ્ટેક થઈ હોય તેવું લાગે છે. તો તમામ વેપારીઓને ન્યાય મળશે અને આજે નહીં તો કાલે રવિવાર ના રજાના દિવસે પણ હરાજી ચાલુ રાખી તમામ મગફળીના વેચાણ કરી લેવામાં આવશે. ખેડૂતોને સંતોષ થાય તે રીતેની કામગીરી કરવામાં આવશે. જોકે ખેડૂતો અને વેપારીઓ ના ભારે હોબાળા બાદ સમજાવટ કરી હરાજી શરૂ કરાઈ હતી. આજે રવિવારે પણ હરાજી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે."-- અમરત જોષી ( સેક્રેટરી, ડીસા માર્કેટયાર્ડ)
રાહ જોઈને બેઠા: જેમાં ગતરોજ 49 નંબરની પેઢી સુધી ડીસા માર્કેટયાર્ડ સંચાલક મંડળ દ્વારા હરાજી કરવામાં આવી હતી. જે બાદ બીજા દિવસે 50 નંબરની પેઢીથી મગફળીની હરાજી શરૂ કરવાની હતી. પરંતુ બીજા દિવસે 50 નંબરની પેઢી પરથી હરાજી કરવાના બદલે માર્કેટયાર્ડ સંચાલન મંડળ દ્વારા અન્ય જગ્યાએથી હરાજી શરૂ કરવામાં આવી હતી. જેથી 50 નંબરની પેઢી પર 1,000 થી પણ વધુ ખેડૂતોની મગફળી હરાજી વગર રોકાઈ ગઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી 1000 થી પણ વધુ ખેડૂતો પોતાની મગફળીની હરાજી થાય તે માટે રાહ જોઈને બેઠા હતા.
ખેડૂતોએ ભારે હંગામો: આજે તેમની મગફળીની હરાજી ન થતા 1,000 થી પણ વધુ ખેડૂતોએ ડીસા માર્કેટયાર્ડમાં હંગામો મચાવ્યો હતો. તાત્કાલિક હરાજી બંધ કરો ના નારા સાથે માર્કેટયાર્ડમાં રેલી નીકાળી હતી. જે બાદ જ્યાં ડીસા માર્કેટ યાર્ડ સંચાલન મંડળ દ્વારા હરાજી ચાલી રહી હતી. તે જગ્યા પર તમામ ખેડૂતો એકત્રિત થઈ અને હરાજી બંધ કરાવવા માટે નારા લગાવ્યા હતા. મગફળીની હરાજી પણ અટકાવી દીધી હતી. આજે ડીસા માર્કેટયાર્ડ ખાતે મગફળીની હરાજીને લઈ ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો હતો. જે સ્થળેથી મગફળીની હરાજી શરૂ કરવાની હતી તેની જગ્યાએ વ્યાપારીઓ દ્વારા અન્ય સ્થળેથી હરાજી શરૂ કરાતા ખેડૂતોમાં રોજ જોવા મળ્યો હતો અને તાત્કાલિક રાજી બંધ કરાવી હતી.