- 1 વર્ષ પહેલાં તીડના આક્રમણથી થયું હતું લાખોનું નુકસાન
- 100 થી વધુ ખેડૂતો તીડ સહાયથી વંચિત
- અનેકવાર રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય
- સરકાર દ્વારા કરવામાં આવી હતી સહાયની જાહેરાત
બનાસકાંઠા : સરહદી વિસ્તારમાં 1 વર્ષ પહેલાં રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી લાખોની સંખ્યામાં તીડનું આક્રમણ થયું હતું. જેમાં બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, થરાદ અને સુઇગામ તાલુકાના ગામડાઓમાં શિયાળુ સિઝન માટે તૈયાર કરેલ જીરું, એરંડા અને રાયડાના પાકનો સફાયો બોલાવી દીધો હતો. જોકે, જવાબદાર તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આમ છતાં સતત ત્રણથી ચાર વખત તીડનું આક્રમણ થતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, મોટા પ્રમાણમાં નુકસાન થતા કૃષિપ્રધાન આર.સી.ફળદુએ સરહદી વિસ્તારના ખેડૂતોની જાત મુલાકાત કરી હતી અને નુકસાનીના વળતર માટે સહાય પેકેજની જાહેરાત કરી હતી.
સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવ તાલુકાના પાનેસડા ગામે 1 વર્ષ અગાઉ શિયાળામાં થયેલ તીડના આક્રમણને લઇ સરકાર દ્વારા તીડ સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પાનેસડા ગામના 100થી વધુ ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી. પાનેસડા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો અમને સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના પાનેસડા ગામના ખેડૂતો તીડ સહાયથી હજુ વંચિત છે. પાનેસડા ગામના ખેડૂતોએ કેટલીવાર લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. સરકાર દ્વારા બે હેકટરની મર્યાદામાં હેકટરે 18 હજાર રૂપિયાની જાહેરાત કરી હતી. પણ હજુ વાવ તાલુકાના પાનેસડા ગામના 100 જેટલા ખેડૂતો સહાયથી વંચિત છે. જેથી કરીને તાત્કાલિક ધોરણે બાકી રહેલા ખેડૂતોને વળતર આપી તેવી માંગ ઉઠી છે.
મહિલા સરપંચે કરી રજૂઆત
આ બાબતે પાનેસડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. જેમાં પાનેસડાના સૌથી વધુ ખેડૂતો તીડ સહાયથી વંચિત છે. જેઓને તાત્કાલિક ધોરણે ખેડૂતને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે એવી લેખિત રજૂઆત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી ખેડૂતોને તીડ આક્રમણથી થયેલ નુકસાનનું વળતર ચુકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતો જણાવી રહ્યા છે કે, અધિકારીઓ આવીને સર્વે કરીને ગયા છે, તો હજુ કેમ સહાય ચૂકવાઈ નથી.