બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા એવા દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. તંત્ર દ્વારા દાંતીવાડા ડેમના ચાર દરવાજા ખોલી દરવાજા મારફતે પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ખેડૂતોમાં ખુશી: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લેવા પડતા હોય છે. પરંતુ છેલ્લા દોઢ બે મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બળી રહ્યો હતો. તેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર જામી છે. ખેડૂતોનો બળી રહેલા પાકને નવું પાણી મળ્યું છે. સારો વરસાદ પડી રહ્યો છે જેના કારણે પાણીના તળ પણ ઉંચા આવશે અને આખું વર્ષ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થશે.
'હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ છે. જેના પગલે દાંતીવાડા ડેમના ચાર દરવાજા મારફતે પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં જો દાંતીવાડા ડેમની આંકડાકીય વાત કરવામાં આવે તો ડેમમાં હાલમાં પાણીની આવક છે. 10,384 ક્યુસેક અને ડેમમાથી હાલ પાણીની જાવક છે 16,000 ક્યુસેક અને ડેમની કુલ હાલ સપાટી 602.10 ફુટ તેમજ 94.42 ટકા ડેમ ભરાયો છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે.' -વીરાભાઇ, ડેમના અધિકારી
ખેડૂતની વાતચીત: આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા. કારણ કે અમારે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને વાવેલો પાક બળી રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જે પ્રમાણે વરસાદ આવવાના કારણે અમારો પાક નહીં બળે અને અમારા પાકને એક નવું જીવનદાન મળ્યું છે."