- પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નિયામક મંડળ ચૂંટણી યોજાઈ
- 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ
- ખેડૂતો ઉત્સાહ સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા
બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી પાલનપુર ખાતે આવેલ ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણીને લઇ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નિયામક મંડળની 16 બેઠકો માટેની ચૂંટણી શનિવારે યોજાઇ રહી છે. 16 બેઠકો માટે યોજાઇ રહેલી આ ચૂંટણીમાં 32 ઉમેદવારો મેદાને છે. મહત્વની વાત એ છે કે ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અને પૂર્વ ચેરમેનની એમ બે પેનલો સામસામે છે. જોકે બંને પેનલો ભાજપની હોવાને પગલે ભાજપ સામે ભાજપની પેનલ મેદાને હોવાનો ઘાટ ઘડાયો છે.
ભાજપ સામે ભાજપની પેનલ
માર્કેટયાર્ડના નિયામક મંડળની 16 બેઠકો એટલે કે 10 ખેતીવાડી વિભાગ 4 વેપારી વિભાગ તો 2 ખરીદ- વેચાણ વિભાગની બેઠકો માટેની યોજાયેલી ચૂંટણીમાં કુલ ૩૨ ઉમેદવારો મેદાને છે. માર્કેટ યાર્ડમાં વર્તમાન ચેરમેન અને પૂર્વ ચેરમેનની પેનલ સામસામે એટલે કે ભાજપ સામે ભાજપની પેનલ છે. જેને લઇ સમગ્ર ચૂંટણી છે તે ચર્ચાનો વિષય બની છે. શનિવારે 1559 મતદારો મતદાન કરી બત્રીસમાંથી સોળ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરશે. મહત્વની વાત એ છે કે પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતાં જ વેપારી વિભાગના 97 મતદારો ખોટા અને મળતિયા હોવાના આક્ષેપો થતા વિવાદ સર્જાયો હતો. જેને લઇ આ ચૂંટણી છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચામાં જ રહી છે. નામ કમી થયેલા તમામ ઉમેદવારો કોર્ટમાં ગયાં હતાં અને કોર્ટ દ્વારા તમામ મતદારોને મતદાન કરવાનો અધિકાર આપતા આજે કુલ 1559 ઉમેદવારો મતદાન કરી ૩૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
