પાલનપુરઃ કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે તેની અસર સ્કૂલો ઉપર પણ પડી છે. લોકડાઉનના સમયથી જ રાજ્ય સહિત દેશભરમાં સ્કૂલો બંધ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થિઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરતા રાજ્યની તમામ શાળાઓના શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો કે બનાસકાંઠા જિલ્લામાં અનેક શાળાઓના વિદ્યાર્થિઓ કે વાલીઓ પાસે સારા એન્ડ્રોડ મોબાઈલ ન હોવાથી તેઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી.
જો કે આવી જ તકલીફ પાલનપુરના પારપડા ગામના વિદ્યાર્થિઓને પડતી હતી. ગામના વાલીઓ આર્થિક રીતે સદ્ધર ન હોવાથી અને વાલીઓ પાસે સારા મોબાઈલ ન હોવાથી પારપડા ગામના વિદ્યાર્થિઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા ન હતા. તેથી શાળાના શિક્ષકોને મોટી મુશ્કેલી ઉભી થઇ હતી અને ત્યાર બાદ તેમણે ગામના સરપંચને આ બાબતની જાણ કરતા ગ્રામપંચાયત દ્વારા પારપડા ગામમાં અનેક જાહેર જગ્યાએ સ્પીકર લગાવી દીધા અને અને તેનું સમગ્ર સંચાલન ગ્રામપંચાયતમાંથી શરૂ કરાયું. જ્યાં શાળાના શિક્ષકો દ્વારા અલગ-અલગ વિષય મુજબ માઇક દ્વારા અભ્યાસ શરૂ કરાયો હતો, જેથી શાળાના તમામ વિદ્યાર્થિઓ પોતાના ઘરની નજીક લાગેલા માઇકની નજીક બેસીને શાંતિથી અભ્યાસ કરી રહ્યા છે.
સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવામાં આવતા તેમજ વિદ્યાર્થિઓ પાસે મોબાઈલ ન હોવાથી વિધાર્થીઓની તકલીફ વધી હતી અને વિદ્યાર્થિઓ અભ્યાસ કરી શકતા ન હતા. પરંતુ ગ્રામપંચાયત દ્વારા ગામના દરેક વિસ્તારમાં માઇક લગાવી દેતા વિદ્યાર્થિઓની મુશ્કેલીનો અંત આવ્યો છે અને હવે જે જગ્યાઓ ઉપર માઇક લાગ્યા છે, તે જગ્યાની નજીક બાળકો આવીને ગોઠવાઈ જાય છે અને ત્યાં જ તેમની શાળા શરૂ થઈ જાય છે અને તેઓ પુસ્તકો ખોલીને શિક્ષક જે વિષયનો અભ્યાસ કરાવે તેનો વિદ્યાર્થિઓ ધ્યાનથી અભ્યાસ કરી રહ્યા છે અને વિદ્યાર્થિઓને આમ અભ્યાસ કરવામાં ખુબ જ મજા પડી રહી છે.
કોરોના કાળમાં હાલ શાળાઓ બંધ છે, તો બીજી બાજુ અનેક ધંધાઓ પણ બંધ હોવાથી વાલીઓને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાતા વિદ્યાર્થિઓને અભ્યાસ માટે મોબાઈલ લાવવો વાલીઓ માટે ખુબ જ મુશ્કેલ હતું. તેવામાં પારપડા ગ્રામપંચાયત અને સ્કૂલ દ્વારા મોબાઈલ વગર બાળકોને ભણાવવામાં આવતા વાલીઓની મોટી ચિંતા દૂર થઇ હતી જેથી શાળા અને ગ્રામપંચાયતનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
આજે ભલે ડિજિટલ યુગમાં શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું હોય, પરંતુ ગુજરાત અને બનાસકાંઠાના અનેક ગામોમાં વિદ્યાર્થિઓ પાસે નેટ કે સારા મોબાઈલની સુવિધા ન હોવાથી વિદ્યાર્થિઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા નથી. જેને લઈને વિદ્યાર્થિઓ અભ્યાસથી વંચિત રહી જાય છે, ત્યારે પારપડા ગ્રામપંચાયત દ્વારા વિદ્યાર્થિઓના હિત માટે કરવામાં આવેલો અનોખો નવતર પ્રયોગ અન્ય ગામો પણ અપનાવે તે ખુબજ જરૂરી છે.