ડીસામાં પવિત્ર શ્રવણ માસ નિમિતે ભક્તોએ કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ભોળાનાથની પૂજા - પૂજા
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રીશાલેશ્વર મહાદેવના ભક્તોએ દર્શન કર્યા હતા. રીશાલેશ્વર મહાદેવનું નામ રિસાલા પરથી પાડવામાં આવ્યું હતું. રિસાલા એટલે કે સેનાનું વિશ્રામ કરવાનું સ્થળ... શહેરના સૌથી પ્રાચીન વિસ્તાર એવા માનવામાં આવતા રીશાલેશ્વર મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારને આજે પણ રિસાલા વિસ્તાર તરીકે જ ઓળખવામાં આવે છે.
બનાસકાંઠાઃ ડીસા શહેર બનાસ નદીને કિનારે વસેલું છે. આ શહેરની સ્થાપના લગભગ 1823માં બ્રિટીશરો દ્વારા કરવામાં આવી હતી. આ સમયે કચ્છથી માઉન્ટ આબુ જતા વેપારીઓને ડીસા નજીકના ભિલો, રજપૂતો અને ડફેરો દ્વારા લુંટી લેવામાં આવતા હતા અને તેમનો ત્રાસ ખુબ જ વધારે હતો. જેના લીધે કચ્છથી માઉન્ટ આબુ સુધીના માર્ગમાં બ્રિટીશરોને સૌથી આદર્શ સ્થાન ડીસા લાગ્યું હતું. કારણ કે, ડીસા શહેરની આબોહવા, ભૌગોલિક સ્થિતિ અને પાણી સર્વોત્તમ હતું. જેના લીધે બ્રિટીશરોએ ડીસામાં લશ્કરી કેમ્પની સ્થાપના કરી હતી.
આ લશ્કરી છાવણીમાં સૈનિકો પણ ભારતના જ હિંદુઓ હતા. જેને પગલે બ્રિટીશ લશ્કરોના હિંદુ સૈનિકોએ ડીસામાં અલગ અલગ સ્થળો પર હિન્દુઓના આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરોની સ્થાપના કરી હતી. આ મંદિરોમાં પૂજાની શરૂઆત કરવામાં આવી હતી.
સૌથી પહેલા બ્રિટીશ લશ્કરના સૈનિકોએ ડીસા શહેરમાં રીશાલેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી. રીશાલેશ્વર મહાદેવનું નામ રિસાલા પરથી પાડવામાં આવ્યું હતું. રિસાલા એટલે કે સેનાનું વિશ્રામ કરવાનું સ્થળ. શહેરના સૌથી પ્રાચીન વિસ્તાર એવા માનવામાં આવતા રીશાલેશ્વર મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારને આજે પણ રિસાલા વિસ્તાર તરીકે જ ઓળખવામાં આવે છે.
ડીસામાં આવેલું રીસાલેશ્વર મહાદેવનું મંદિર શહેરનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે અનેે દર વર્ષ પણ આ પવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન ભક્તોની ભીડથી ઉભરાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે મંગળવારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. જેમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્ટ જાળવી, માસ્ક પહેરી ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ડીસા શહેરના પ્રાચીન મંદિરો અને તેમના નામો જ ડીસા શહેરના ભવ્ય ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે કે, ડીસા શહેરનો ઈતિહાસ કેટલો પ્રાચીન ઈતિહાસ છે. આ શહેરની સ્થાપના બ્રિટીશરો દ્વારા કરવામાં આવી હતી અને તે સમયગાળામાં અહી મંદિરો પણ બાંધવામાં આવ્યા હતા. આ મંદિરોના નામો આજે પણ ડીસામાં બ્રિટીશ શાશનની યાદોને તાજી કરી રહી છે.