ડીસા : રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને રસ્તાની સારી વ્યવસ્થા મળી રહે તે લક્ષ્ય હોય છે. પરંતુ આજે પણ ડીસા તાલુકાના અનેક ગામોમાં રોડ-રસ્તાની સમસ્યા છે. રોડની સુવિધા ન હોવાથી અથવા અધૂરી કામગીરીથી ખેડૂતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતો તથા સ્થાનિકોએ રસ્તાને લઈને હૈયા વરાળ ઠાલવતા ETV ગુજરાતીના પત્રકારો સામે મોટી વાત કહી હતી.
મહામહેનતે રોડ મંજૂર : ગામના સ્થાનિકે જણાવ્યું હતું કે, ડીસા તાલુકાના વાહરા ગામની આવી જ સમસ્યા છે. આ ગામમાં એક કાચો રસ્તો પસાર થતો હતો. જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતોને આવન જાવનમાં મુશ્કેલી રહેતી હતી. ગામમાંથી પસાર થતો આ એકમાત્ર રસ્તો છે. જો રસ્તો ડામરનો બને તો લોકોને ઘણી રાહત મળે તેમ હતું. આથી ગ્રામજનોએ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત અનેક સરકારી કચેરીઓમાં રજૂઆત કરી હતી. દોઢ વર્ષ અગાઉ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ગામમાંથી પસાર થતા રોડનું ખાતમુહૂર્ત કરી નવો રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
દોઢ વર્ષથી કામ બંધ : ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, નવા રોડના ખાતમુહૂર્ત બાદ કોન્ટ્રાક્ટરે ગામમાંથી પસાર થતા રોડ પર માટી અને કપચી નાખી રોડનું કામ શરૂ કર્યું હતું. પરંતુ બાદમાં કોઈ કારણોસર રોડનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે ગ્રામજનોએ ફરીથી રોડનું કામકાજ શરૂ કરવા માટે અનેક વાર રજૂઆત કરી હતી. પરંતુ દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી રોડ જૈસે થે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
અહીં રસ્તો સારો ન હોવાને કારણે અમને ખૂબ તકલીફ પડે છે. દૂધ ભરવા જવામાં તકલીફ પડે છે. પાણી ભરાઈ જાય છે તો બાઈક લઈને કઈ રીતે નીકળવું ? નાના નાના બાળકો અહીંથી અભ્યાસ માટે જતા હોય ત્યારે તેમને પણ બહુ મુશ્કેલી પડે છે. ગામમાં અવરજવર કરવામાં ખૂબ મોટી મુશ્કેલી પડે છે. આ રસ્તા પર માત્ર કપચી પાથરેલ છે. જેના કારણે તકલીફ પડે છે. અમારી માંગ છે કે, સરકાર સત્વરે રોડ બનાવી આપે જેથી આ સમસ્યામાંથી છુટકારો મળે.-- પાડજી ઠાકોર (સ્થાનિક ખેડૂત)
સમસ્યાનું સમાધાન ક્યારે ? ગામમાં એકમાત્ર વાહરા દૂધ મંડળી હોવાના કારણે રોજેરોજ અસંખ્ય પશુપાલકો દૂધ ભરાવા માટે આ રોડ પરથી પસાર થાય છે. પરંતુ હાલમાં માત્ર કપચી પાથરેલી હોવાના કારણે અહીંના પશુપાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખરાબ રોડના કારણે વારંવાર અકસ્માત પણ સર્જાય છે. ઉપરાંત અહીંથી અભ્યાસ અર્થે જતા બાળકો પણ ભારે તકલીફ વેઠી રહ્યા છે. આ રસ્તો ગામને કામ સાથે જોડતો રસ્તો છે. ગ્રામજનોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત રોડ વિભાગમાં તાત્કાલિક ડામરનો રોડ બનાવી આપવા રજૂઆત કરી છે. ત્યારે હાલ તો અહીંના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે રોડ બનાવવામાં આવે જેથી વારંવાર સર્જાતી સમસ્યાનો અંત આવી શકે. જોકે, આ મમાલે વહીવટી વિભાગ કે સત્તા પર રહેલા કોઈ જવાબદારો મૌન બનીને બેઠા છે.