બનાસકાંઠા: જિલ્લામાં લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદના કારણે અનેક તાલુકાઓમાં નદીઓ અને ઝરણાઓ શરૂ થાય છે. જેના કારણે લોકો નદીમાં નહાવા અને મોજ મસ્તી કરવા માટે લોકો જાય છે, પરંતુ ક્યારેક એમની આ મોજ મસ્તી મોત સુધી લઈ જતી હોય છે. એક નાની ભૂલના કારણે અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પડી રહેલા વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં તળાવો અને ઝરણાઓ શરૂ થયા છે. જેના કારણે હાલ આજુબાજુના અનેક ગામોના લોકો મોજ માણવા નાહવા માટે જાય છે. જેમાં અત્યાર સુધી નાહવા પડેલા અનેક લોકોના મોત નીપજ્યા છે.
થોડા દિવસ અગાઉ ડીસામાં વરસાદી પાણીમાં 2 યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે શનિવારે વડગામ તાલુકાના મુમનવાસ ગામે પાલનપુર તાલુકાના સંગ્રા ગામના 21 વર્ષનો યુવાન અશોક વાઘેલા પોતાના 2 મિત્રો સાથે પાણીમાં નહાવા ગયા હતા. જ્યાં પાણી વધુ હોવાના કારણે આ ત્રણેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું અને અન્ય 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.