બનાસકાંઠાઃ જિલ્લામાં પાંડવકાળના પ્રાચીન પાંચ મહાદેવના મંદિર આવેલા છે. એમાનું એક મંદિર છે કેદારનાથ મહાદેવનું. પાલનપુરથી આબુ તરફ જતા ઇકબાલગઢ ગામની નજીક થોડા અંતરે આવેલા જેસોર અભ્યારણની હદમાં જયરાજ પર્વત પર કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે. અતિપ્રાચીન પૌરાણિક તિર્થધામ તરીકે જાણીતું કેદારનાથ મહાદેવના દર્શન માટે 419 મીટરની ઊંચાઈ સુધી પગપાળા જવું પડે છે. જો કે પગથિયાંની વ્યવસ્થા હોવાથી ભક્તો સહેલાથી ઘટાદાર જંગલો અને કુદરતી નયનરમ્ય વાતાવરણ જોતા જોતા કેદારનાથ મહાદેવના ધામ સુધી પહોંચી ભોલેનાથના દર્શન કરી પરત ફરે છે. અહિયાં પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને હર હર મહાદેવના નાદથી અરવલ્લીના ડુંગરો ગુંજી ઉઠે છે.
કેદારનાથ મહાદેવ 51 શક્તિપીઠના શ્રી યંત્રનું કેન્દ્ર બિંદુ છે. આ મંદિર હજારો વર્ષ જુનુ છે. કેદારનાથ મહાદેવ મંદિરની પ્રાચીન કથા એવી છે કે, સતયુગમાં ભગવાન કેદારનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા બાદમાં દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન પાંડવો અહીંયા રાત્રીવાસ કર્યો હતો અને નિત્યક્રમ મુજબ દેવોના દેવ મહાદેવજીની પૂજા અર્ચના કરી હતી. જો કે, એ સમયે અહિયાં પીવાનું પાણી ન હોવાના લીધે પાંડવોએ આરાધના કરી ગંગા જમનાજીની ધારા પ્રગટ કરી હતી. આજે પણ મહાદેવના સાનિધ્ય ગંગા જમુનાજીના કુંડનું જળ છે. જેમાં ક્યારેય પણ પાણી ખૂટતું નથી. પવિત્ર શ્રાવણ માસ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી ભક્તો કેદારનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. ભોલેનાથને બીલીપત્ર ચઢાવી તેમજ જળ અભિષેક કરી ધન્યતા અનુભવે છે. ધાર્મિક સ્થાનની સાથે સાથે પર્યટક સ્થળ તરીકે પ્રવાસીઓ માટે સુંદર મજાનું સ્થળ માનવામાં આવે છે. કુદરતી સૌંદર્ય અને લીલાછમ હરિયાળીથી ઘેરાયેલૂ કેદારનાથ મહાદેવના મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ મહાદેવનાં ચરણોમાં શીશ નમાવી શાંતિની લાગણી અનુભવે છે. તેમજ આ જગ્યાએ સાક્ષાત ભગવાન શિવજીનો વાસ છે તેવું લોકો માને છે.
કેદારનાથ મહાદેવના દર્શનની સાથે જાણીતા મહંત અને મહાન ઋષિ મુનીઓના સ્થાન આવેલ છે. મંદિરથી ઊંચા પર્વત પર મહંત મુનીજીની ગુફા આવેલી છે ભક્તો ગુફા સુધી પર્વતારોહણ કરી ભક્તિ સાથે સાથે કુદરતી પ્રકૃતિનો પણ આનંદ માણે છે તેમજ કેદારનાથ મહાદેવના મંદિર સામે પથ્થર પહાડમાં મહાન ઋષિ એવા શિવગીરી બાપુનું ગુફામાં ધૂણી આવેલી છે જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં શિવગરી બાપુના સંસ્મરણોને તાજા કરવા માટે ભક્તો અહીં આવી આરાધના કરે છે. પ્રકૃતિની વચ્ચે આવેલું કેદારનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય મેળાનું આયોજન કરાતા હોય છે અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. પરંતુ, કોરના મહામારીને કારણે આ વખતે શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થાય તેવા કોઇ પણ કાર્યક્રમ યોજવામાં નથી આવ્યા. જો કે, કોરાના મહામારી વચ્ચે પણ ભક્તોની આસ્થા અને શ્રધ્ધા ભગવાન ભોલેનાથ સાથે જોડાયેલી છે અને અનેક ભક્તો કેદારનાથ મહાદેવના દર્શન કરી મનોકામના પૂર્ણ કરે છે.