બનાસકાંઠાઃ સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા મોટાભાગના દેડકા ભૂખરા રંગના હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં લોકોને પીળા કલરના દેડકા જોવા મળી રહ્યા છે. રંગીન દેડકા દેખાતા લોકોમાં પણ એક પ્રકારનું આશ્ચર્ય ફેલાયું છે. અમીરગઢ અને દિયોદરના કેટલાક ગામડાઓમાં ગત 2 દિવસ થયેલા વરસાદ બાદ હવે દેડકા બહાર આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં આ પીળા કલરના દેડકા જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટ્યાં છે.
ચોમાસાની સીઝન દેડકાની મેટિંગની સિઝન ગણાય છે. આ સમયગાળામાં માદા દેડકાને આકર્ષવા માટે કેટલીક પ્રજાતિના દેડકા કલર પણ બદલતા હોય છે. તે વખતે તેમનો રંગ આકર્ષક પીળા રંગનો થઇ જાય છે. જો કે, મેટિંગ બાદ દેળકા મૂળ રંગમાં આવી જાય છે.