- બનાસકાંઠામાં સૌથી વધારે પોઝિટિવ કેસ ડીસા અને પાલનપુરમાં નોંધાયા
- સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જિલ્લામાં હોસ્પિટલ્સ હાઉસફૂલ
- વિવિધ સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થાનો દ્વારા શરૂ કરાઈ રહ્યા છે કોવિડ કેર સેન્ટર
બનાસકાંઠા: જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા જતા કેસને લઈને હોસ્પિટલ્સમાં બેડ મળવા મુશ્કેલ થઈ રહ્યા છે. ત્યારે ડીસાના માળી સમાજની જી. જી વિદ્યા સંકુલમાં કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં ખાવા-પીવાની, દવાઓની સગવડ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. તમામ દર્દીઓને માળી સમાજના ડોક્ટરો સહિત અનેક ડોક્ટરો સેવાઓ આપી રહ્યા છે. સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં જરૂર પડશે, તો બેડની સંખ્યા વધારવામાં પણ આવશે.
દર્દીઓની માનસિક સ્થિતી પર પણ ધ્યાન આપવામાં આવે છે
આ અંગે ડૉ. ભાવેશ માળીએ જણાવ્યું હતું કે, તમામ દર્દીઓને સવારના સમયે વોકિંગ અને પ્રાણાયમ પણ કરાવવામાં આવે છે. તેથી તેમનું શરીર સ્વસ્થ રહે. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તેના મનમાં અનેક પ્રકારની ચિંતાઓ શરૂ થઈ જાય છે. આ ચિંતા ન થાય તે માટે જી. જી. માળી વિદ્યાસંકુલમાં આ તમામ કોરોના દર્દીઓને સાંજના સમયે એક કલાક સુધી નાચગાન પણ કરાવવામાં આવે છે. જેથી તેમના મન પર અન્ય કોઈ અસર થાય નહીં.