- બનાસ ડેરીની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
- ડેરીની 1400 મંડળીઓના મતદાન માટેનો ઠરાવ રજૂ
- વિવાદ બાદ ઠરાવ રજૂ કરી દેતા હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે
બનાસકાંઠા: એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરીની ચૂંટણીને લઈને છેલ્લા બે માસથી ભારે ધમાસાન ચાલી રહ્યું હતું. બનાસડેરી અંતર્ગત આવેલી 1400 જેટલી ડેરીઓમાં ઠરાવ કરી મતદાન માટેનો પ્રતિનિધિ નિમવાનો હોય છે. જે પ્રતિનિધિ માટે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું અને તે બાદ મોટાભાગની તમામ મંડળીઓમાં ભારે વિવાદ સર્જાયા બાદ આજે અંતિમ દિવસ સુધી તમામ મંડળીઓએ ઠરાવ રજૂ કરી દીધા છે.
આ ઠરાવ રજૂ કર્યા બાદ હવે ટૂંક સમયમાં જ મતદાર યાદી પ્રસિદ્ધ થશે. જોકે આ મતદાર યાદી પરથી જ આગામી સમયમાં ડેરીના ડિરેકટર પદ કોને મળશે તે લગભગ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. છેલ્લા બે માસથી ઠરાવને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા પોતાના પ્રતિનિધિઓને નીમવા માટે ભારે ખેંચતાણ ચાલી હતી. કેટલીક મંડળીઓમાં મનસ્વીપણે ઠરાવ કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા હતાં. જોકે તેમ છતાં સહકારી માળખાની અંદર એશિયાની સૌથી મોટી અને નંબર વન ગણાતી બનાસ ડેરીનું સત્તા પદ હાંસલ કરવા માટે સત્તાવાનછુંકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે અત્યારે સરકારથી દૂર અને માત્ર સહકારમાં જ પકડ જમાવી બેઠેલા શંકરભાઈ ચૌધરી ફરીથી બનાસ ડેરીનું સત્તા પદ મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં વર્ષે 4500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી અને 1400 દૂધ મંડળીઓનો વહીવટ કરતી આ બનાસ ડેરીનું સુકાન કોને મળશે તે તો ચૂંટણી બાદ જ ખ્યાલ આવશે.