પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે વધુ કોરોના પોઝિટિવ 7 કેસ મળ્યા છે, જેની સાથે જ જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંકડો 50 થયો છે.
મંગળવારે પાલનપુરના વાસણી ગામના બે લોકો, ગઢ ગામના બે અને વડગામમાં એક કોરોના પોઝિટિવ કેસ ડિટેકટ થયો છે. જ્યારે ડીસા શહેરમાં પણ અમદાવાદના શાહીબાગથી આવેલી કોરોના પોઝિટિવ મહિલાના પરિવારના બે લોકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.
આ તમામ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 50 સુધી પહોંચતા આરોગ્ય વિભાગે પણ દર્દીઓના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને વિસ્તારમાં વધુમાં વધુ લોકોના સેમ્પલ લેવાનું કામ શરૂ કર્યું છે. આ સિવાય કોરોના પોઝિટિવ દર્દીઓના વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
હાલ જે પ્રમાણે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેની સાથે આરોગ્ય વિભાગની સાથે-સાથે લોકોમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે.