- બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ લોકોને કોરોના વેક્સિન અપાશે
- બનાસકાંઠા જિલ્લામાં 5 કેન્દ્ર પરથી 300 જેટલા આરોગ્ય કર્મચારીઓને અપાઈ રસી
- લોરવાડા PHC કેન્દ્ર પર 100 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાઈ
બનાસકાંઠાઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિન પહોંચી ગઈ છે. આ રસી આપવા બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 5 લાખ લોકોના નામ નોંધવામાં આવ્યા હતા અને આજે શનિવારથી આ તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આજે શનિવારે પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. જે બાદ બીજા તબક્કામાં અન્ય લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. આમ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
રસીકરણની તમામ તૈયારી પૂર્ણ
જિલ્લામાં કોરોના રસીકરણને લઇ આજે શનિવારે તમામ પ્રકારની તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ આજે શનિવારે બનાસકાંઠા જિલ્લાના 5 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીસા તાલુકાના ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલના હસ્તે કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના રસીના 18,590 ડોઝ આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં કોરોના રસીના 18,590 ડોઝ 3 દિવસ અગાઉ પહોંચી ગયા છે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા 1000 જેટલા આરોગ્ય કર્મચારીઓ આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો અને ડૉક્ટરોને વેક્સિન આપવામાં આવશે. જેમાં આજે શનિવારે બનાસકાંઠા જિલ્લાના 5 સેન્ટરો પર 351 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
કોરોના વેક્સિન મહા અભિયાનની શરૂઆત
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લોરવાડા ગામે આજે શનિવારે ધારાસભ્ય શશીકાંત પંડ્યાના વરદ હસ્તે કોરોના વેક્સિન મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ લોરવાડા PHC કેન્દ્ર પર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ.ગૌરવ બારોટને વેક્સિન આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન લીધા બાદ થોડો કડવા અનુભવ થાય છે, બીજી કોઈ આડઅસર થતી નથી. જેથી કોરોનાની લડાઈમાં જીત મેળવવા માટે કોઈ ડર રાખ્યા વિના કોરોના વેક્સિન લેવી જોઈએ.
કોરોના વેક્સિનનો પ્રારંભ કરાયો
બનાસકાંઠા જિલ્લામાં આજે શનિવારે 5 સેન્ટરો પરથી કોરોના વેક્સિન રાજકીય પક્ષો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વડગામના મોરિયા PHC પર પૂર્વ પ્રધાન રણછોડ રબારી, નાંદોત્રા PHC પર પૂર્વ પ્રધાન શંકર ચૌધરી, પાલનપુરના રતનપુર PHC પર ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, ડીસાના ભીલડી PHC પર સાંસદ પરબત પટેલ તેમજ ડીસા તાલુકાના લોરવાડા PHCમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ કોરોનાની રસી આપવાની શરૂઆત કરાવી હતી.