ડીસા: નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોનાને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ત્યારે આ મહામારીને અટકાવવા અને જો દર્દીઓની સંખ્યા વધે તો તાત્ક્લિક પહોંચી વળવા માટે આજે બનાસકાંઠાના ડીસા અને થરાદ ખાતે તૈયાર કરેલા આઇશોલેશન વોર્ડની જિલ્લાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આરોગ્ય વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકારી આઇસોલેશન વોર્ડ ઉપરાંત ખાનગી હોસ્પીટલોમાં પણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
પાલનપુર સીવીલ હોસ્પિટલમાં 120 બેડનો આઇસોલેશન વોર્ડ સાથે તૈયાર છે. આ ઉપરાંત ડીસા, થરાદ, વાવ, અંબાજી અને જિલ્લામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ દર્દીઓને સારવાર આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે બનાસકાંઠા જિલ્લામાં બે ખાનગી હોસ્પિટલ તૈયાર કરાઈ છે. જેમાં ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલ- 80 બેડ અને પાલનપુર ખાતે સમર્પણ ખાનગી હોસ્પીટલમાં- 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
શ્રી રામચંદ સ્વરાજ હોસ્પિટલ ધાનેરા તથા તિરૂપતિ હોસ્પિટલ પાંથાવાડાને બેડ સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેમાં આજે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે,જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા સહિત ના અધિકારીઓ એ નિરીક્ષણ કર્યું હતું અને આરોગ્ય વિભાગ ને એ જરૂરી સૂચના આપી હતી.
કોરોના મામલે જિલ્લા આરોગ્ય દ્વારા પણ અત્યાર સુધી બહારથી આવેલા 40 હજારથી વધુ લોકોને આરોગ્યની તપાસ કરવામાં આવી છે જેમાં 300 જેટલા લોકોને હોમકોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે તેમજ હજુ સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.