સુરત: પતંગ રસિયાઓની મોજ પંખીઓ સાથે સાથે હવે માનવ જાતને પણ ભારે પડી રહી છે. હજુ મકર સંક્રાંતિના તહેવારને દોઢ મહિના જેટલો લાંબો સમય બાકી છે અને અત્યારથી જ પતંગ રસિકો પતંગ ઉડાવી રહ્યા છે.
આ દરમિયાન અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સુરતમાં પતંગની દોરીથી થોડા દિવસ થયેલ એકના મોતની શાહિ સુકાઇ નથી ત્યાં બીજી એક ઘટના પણ સામે આવી છે.
ઉમરપાડા તાલુકાના શારદાગામ ખાતે રહેતા 40 વર્ષીય શૈલેષભાઈ છીડીયાભાઈ વસાવા પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ તેઓ તેમની પત્ની સાથે બાઈક પર સાયણથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને કીમથી કીમ ચોકડી તરફ કીમ રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થતાં પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી વંટોળાઈ જતાં તેમને ગળાના ભાગે ગંભીર ઈજા થઇ હતી.
પતંગની દોરી એટલી હદે ઊંડી ઘૂસી ગઈ હતી કે લોહીથી યુવક આખો લથબથ થઈ ગયો હતો. હાજર સૌએ સાથે મળીને શૈલેષભાઈ વસાવાને પહેલા કીમ સ્થિત સાધના કુટીર હોસ્પિટલ લઇ ગયા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
સાધના કુટીર હોસ્પિટલના ડૉક્ટર શૈલેષભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે, 'કીમ ઓવરબ્રીજ પર દંપતી બાઈક પર પસાર થતું હતું, આ દરમિયાન પતંગની દોરી દ્વારા તેમનું ગળું કપાઈ ગયું હતું. તેઓ ગંભીર હાલતમાં હતા જેથી પ્રાથમિક સારવાર આપીને અમારી જ એમ્બ્યુલન્સમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમનું ગળું સંપૂર્ણ રીતે કવર થઇ જાય એટલી મોટી ઈજા થઇ હતી.'
આ પણ વાંચો: