પાલનપુરઃ બનાસકાંઠામાં ભાગળ ગામે આવેલા તળાવમાં એકસાથે હજારો માછલીઓના મોત થયાં છે અને કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓ મોત થયા બાદ જો આ પાણી બહાર કાઢવામાં ન આવે તો રોગચાળો ફેલાવાની શક્યતા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે એક તળાવમાં હજારો માછલીઓના મોત થયાં હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરના ભાગળ ગામ પાસે એક વર્ષો જૂનું તળાવ આવેલું છે.જેમાં આજે એકાએક હજારો માછલીઓના મરીને કિનારે આવી પડેલી જોવા મળા હતી..અચાનક આટલી માછલીઓના મોતથી લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતાં. કોઈ અજાણ્યા શખ્સોએ આ તળાવમાં કેમિકલવાળું પ્રવાહી ઠાલવતા માછલીઓ મોતને ભેટી હોવાનુ લોકોનું માનવું છે.
જો કે મૃત માછલીઓનો કોઇ નિકાલ ન કરાતાં ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ છે. કારણ કે આ જ તળાવનું પાણી ગામના પશુઓ પીવે છે અને જો કેમિકલવાળું પાણી પીવે તો પશુઓના મોત પણ થઈ શકે છે. ત્યારે વહેલી તકે મૃત માછલીઓનો નિકાલ થાય તેવી સ્થાનિકોમા માગ ઉઠી છે.