ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મહિલાઓ અને પુરૂષો બહાર શૌચ કરવા માટે જાય નહીં તે માટે કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવી આપવામાં આવે છે. પરંતુ કેટલીકવાર ગામના સરપંચો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા શૌચાલયની સુવિધા ગામના વ્યક્તિઓ સુધી પહોંચતી નથી અને બારોબાર કૌંભાંડ કરવામાં આવે છે.
ગામના સરપંચ દ્વારા ખોટા સહી સિક્કા કરી અને શૌચાલય ન બનાવી મોટું કૌભાંડ આચરવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાક એવા ગામો છે કે, જ્યાં શૌચાલય બનાવવામાં આવ્યા નથી અને બારોબાર ખોટા કાગળો બનાવી અને સરકારના રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. જેના કારણે સરકારની આ યોજના લોકો સુધી પહોંચતી નથી.
આવી જ એક ઘટના ડીસા તાલુકાના બુરાલ ગામે બહાર આવી છે. જેમાં વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ શૌચ કરવા માટે બહાર જાય નહીં તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ બુરાલ ગામે આપવામાં આવી હતી. જોકે આ યોજના અંતર્ગત બુરાલ ગામમાં 443 શૌચાલય બનાવવાના હતા પરંતુ તેમાંથી 62 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા નથી.
બુરાલ ગામે સરકાર દ્વારા જે શૌચાલય બનાવવામાં આવ્યા હતા. તે શૌચાલય પ્રકાશભાઈ પટેલ ગણેશપુરા મારફતે બનાવવામાં આવેલા છે. શૌચાલય માટે ગ્રામજનો દ્વારા જે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક પ્રમાણપત્રો પર શૌચાલય બનાવવાના કોન્ટ્રાકટરોએ જાતે જ ફોર્મ ભરીને તેમાં ગામલોકોની ડુપ્લીકેટ સહી પણ કરી છે. આ ગામના તત્કાલીન સરપંચ હરપાલસિંગ વઘુસિંગ સોલંકી દ્વારા નિયત ફોર્મમાં પોતાની સહીથી પૈસાનો ચૂકવણી કરી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તપાસ કરવામાં આવતા આ ગામમાં 62 જેટલા શૌચાલયો ગામમાં બનાવવામાં આવ્યા ન હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બુરાલ ગામના સરપંચને તાત્કાલિક ધોરણે હોદા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સરપંચ દ્વારા આચરવામાં આવેલા આ ભ્રષ્ટાચાર અંગે ગામના જ એક આગેવાન પ્રહલાદ સિંહે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ થતા સરપંચ દોષિત પુરવાર થતા જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.