થરાદ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે અટકળોનો અંત આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરતા સોમવારે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફે ઉમેદવારી વખતે કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપના ઉમેદવાર જીવરાજ ભાઈ પટેલની ભવ્ય જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
બીજી બાજુ કોંગ્રેસે પણ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. ગુલાબસિંહ રાજપુત મૂળ વાવ-થરાદ વિસ્તારના વતની છે અને અહીંના સ્થાનિક લોકોમાં અને યુવાનોમાં કેટલાય સમયથી સેવાકીય કાર્ય જોડાયેલા છે. કોંગ્રેસે યુવાન નેતાને ઉમેદવાર બનાવતા કોંગ્રેસના યુવાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. ગુલાબસિંહ રાજપૂતે વિધાનસભાની ચૂંટણીમાં પોતાના વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ભાજપમાં એક તરફ પીઢ કાર્યકર જીવરાજ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસે થરાદ વિધાનસભા માટે યુવાન ચહેરાને તક આપી છે. અનુભવ અને યુવા જોશ વચ્ચે જામેલા આ રસપ્રદ જગમાં આખરે વિજય કોનો થાય છે તે મહત્વનું રહેશે.