બનાસકાંઠા દિયોદરના ચમનપુરા ગામે રહેતા ઇશ્વર પટેલ નામના ખેડૂતે બે વર્ષ પહેલા રૂપિયાની જરૂરિયાત હોવાથી ગામના પેથાભાઈ પટેલને જમીન આપી 2 લાખ 30 હજાર રૂપિયા લીધા હતા. જે જમીનનો કબજો પરત લેવા માટે રૂપિયાની ચુકવણી કરવા ગયા હતા. પરંતુ પેથાભાઈ પટેલે બે વર્ષના વ્યાજ સાથે 21 લાખની માગણી કરી હતી. જે રકમની ભરપાઈ ન કરતા અને અવાર નવાર જમીનનો કબજો માંગતા હતા.
3 ઈસમો ઈશ્વર પટેલને બળજબરી પૂર્વક ઉઠાવી ઘરમાં ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત ઈશ્વર પટેલને 108 દ્વારા દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે દિયોદર પોલીસ મથકે જાણ કરતા દિયોદર પોલીસે ઈજા ગ્રસ્તનું નિવેદન લઇ પેથાભાઈ પટેલ, અશોકભાઈ પેથાભાઈ પટેલ, મુકેશભાઈ પેથાભાઈ પટેલ, અમરાભાઈ રેવાભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો છે.
એકબાજુ બનાસકાંઠા જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. ત્યારે દિયોદરના ચમનપુરામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતનું અપહરણ કરી ઢોર માર મારનાર ઈસમો સામે પોલીસ તંત્ર કડક પગલાં લેવા પરિવારજનો માગણી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કયારે બનાસકાંઠા જિલ્લા માં વ્યાજખોરો સામે તંત્ર લાલ આંખ કરે છે.