બનાસકાંઠા : દાંતા તાલુકો આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે. હાલમાં ગુજરાત હરણફાળ વિકાસ કરી રહ્યું છે, ત્યારે દાંતા તાલુકા મથક એસટી બસ સ્ટેશનને લઈ પછાતપણું સહન કરી રહ્યું છે. તે સ્ટેટ વખતનું ભવાનગઢ જે હાલ દાંતા નામથી ઓળખાતું ગામ છે ને આ દાંતા 186 ગામડાઓથી સંકળાયેલું તાલુકા મથક પણ છે, પણ અહીંયા બસ સ્ટેન્ડની કોઈજ કાયમી સુવિધા જોવા મળી રહી નથી. અહીંયા 1996માં લાખો રૂપિયાના ખર્ચે બે એકરમાં બનાવેલું એસટી બસ સ્ટેન્ડ હાલ અવાવરું ખંડેરમાં ફેરવાઈ ગયું છે. ત્યાં એસટી બસોનું નહિ પણ બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
બસ સ્ટેશન માટે દાન : 1996માં વાહનવ્યવહાર પ્રધાન વિમલ શાહે આ બસ સ્ટેન્ડનું અત્યાધુનિક ઢબે રીમોટથી ઉદ્ઘાટન કર્યું હતું, પણ હાલ આની પરિસ્થિતિ એવી થઇ ગયી છે, જ્યાં રાત્રે તો ઠીક પણ દિવસે એકલો પ્રવાસી જાય તો ડરી જાય તેવા બિહામણા દ્રશ્યો આ બસ સ્ટેશનના જોવા મળી રહ્યા છે. હાલમાં જાણે અવશેષો રૂપી આ બસ સ્ટેન્ડ ઊભું રહેલું જોવા મળી રહ્યું છે. આ બસ સ્ટેશનના નિર્માણ કાર્ય માટે દાંતાના એક દાતા એ ટોકન દરે જમીન આપી હતી પણ તેમનું દાન એળે ગયું હોવાની ચર્ચાઓ છે.
ગીચતા વાળી જગ્યા પીકઅપ સ્ટેન્ડ : આ બસ સ્ટેશન દાંતા ગામથી એક કિલોમીટર જેટલું દૂર બનાવ્યું છે. જેતે સમય રીક્ષાની સુવિધા ન હોવાથી આ બસ સ્ટેશન બંધ થઇ જવા પામ્યું હતું. લોકો ગામમાં જ ઉભા રહેતા ત્યાં ફરી નવું પીકઅપ સ્ટેન્ડ બનાવી દેવાયું પણ આ પીકઅપ સ્ટેન્ડ બજારની ગીચતા વાળી જગ્યામાં બનાવેલું હોવાથી અહીંયા પૂરતી બસો આવતી નથી. બસ હાઇવે માર્ગ થીજ અંબાજીને અન્ય સ્થળે બારોબાર નીકળી જવાના કારણે સ્થાનિક વેપારીઓ સહીત વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી હવે આ પીકઅપ સ્ટેન્ડને ફરી હાઇવે માર્ગ તરફ ખસેડી જવા માંગ કરાઈ રહી છે.
આ પણ વાંચો : Patan News : રાધનપુર સોમનાથ રુટના બસ ડ્રાયવરને ચાલુ બસે હાર્ટ એટેક, પ્રવાસીઓને હેમખેમ રાખી મોતની સોડ તાણી
બારોબારથી નીકળી બસ માટે સુચના : જોકે દાંતા તાલુકા મથક છે ને અહીંયાથી અનેક વેપારીઓને વિદ્યાર્થીઓ ખરીદીને અભ્યાસ અર્થે પાલનપુર કે અંબાજી તરફ જવું પડે છે. ને બસ ગામમાં ન આવતા તેમને વાહન વગર રખડી જવા જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. જેને લઈ અંબાજી એસટી ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે, જૂના બસ સ્ટેશન ગામથી દૂર બનેલું હોવાથી ત્યાં પ્રવાસીઓની અવરજવર ન થતા ગામમાં જ પીકઅપ સ્ટેન્ડ બનાવાની ફરજ પડી હતી. હાલ ગામમાં બસ જવાના રસ્તે દબાણો થયેલા હોવાથી બસ ગામમાં જવાનું ટાળે છે. છતાં એક્સપ્રેસ બસ તેમજ અન્ય ડેપોની બસ જે હાઇવે માર્ગથી બારોબાર નીકળી જાય છે તેમને કડક સૂચના આપી તમામ બસને પીકઅપ સ્ટેન્ડે લઈ જવા સૂચનાઓ કરાઈ છે.
આ પણ વાંચો : Mussoorie Accident : મસૂરીમાં બસ ખાડામાં પડી, માતા-પુત્રીનું મોત, 38 ઈજાગ્રસ્ત
છછુંદર ગળ્યું હોય તેવી સ્થિતિ : દાંતાનું જૂનું બસ સ્ટેશનને લઇ એસટી નિગમે સાપે છછુંદર ગળ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો જુના બસ સ્ટેશનના બદલે નવું બસ સ્ટેશન અન્ય સાથે બાંધવામાં આવે તો દાતા તરફથી મળેલી બે એકર જમીન પરત મંગાય તેવી હાલત છે. ફરી ત્યાં જ નવું બસ સ્ટેશન બનાવવામાં આવે તો ગામથી જગ્યા દૂર હોવાથી પ્રવાસીઓ મળશે કે કેમ તે એક પેચીદો પ્રશ્ન બન્યો છે.