દાહોદ: જિલ્લાના સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000 ની લાંચની માંગણી કરતા ઓફિસર વતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર વચેટિયો રંગે હાથ ઝડપાયો હતો. પંચમહાલ એસીબીએ બંને રિશ્વતખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરજી કર્યા છતાં પણ દારપણાનો દાખલો ન મળ્યો: મળતી માહિતી અનુસાર ઘટના અંગે જાણવા મળે છે કે, સંજેલી તાલુકાના નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસ તરીકે ફરજ બજાવતા મેહુલ ચંદ્રકાંતભાઈ રાજપાલ પાસે એક જાગૃત નાગરિકે પોતાના મોટાભાઈના નામે દારપણાના દાખલા માટે આવ્યો હતો. ત્યારે ઓફિસમાં તેને અરજી આપવાનું જણાવવામાં આવ્યું હતું. બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહન સોમા બારીઆને મળતાં તેણે દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે અરજી તૈયાર કરાવી આપી હતી. બાદમાં તેણે 7 નવેમ્બરે અરજી કરી હતી. પરંતુ અરજી કર્યા છતાં પણ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી 11 નવેમ્બરના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરી હતી.
સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ: તપાસ કરતાં નાગરિકને ઓફીસના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્ટેમ્પ વેન્ડર મોહન હાજર ન હોવાથી આવતીકાલે 12 નવેમ્બરના રોજ આવે. બીજા દિવસે જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંત રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંત રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું, જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં.
જાગૃત નાગરિક લાંચ આપવા માંગતો ન હતો: મુલાકાત દરમિયાન મેહુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂપિયા 5000 ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેણે એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો.
5000 ની લાંચની માંગણી: લાંચની જાણકારી મળતા મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમએમ. તેજોત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 5000 ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં. ત્યારબાદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહન પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયો હતો. આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: