સુરત: સિટીલાઈટના શિવપૂજા કોમ્પ્લેક્સમાં સર્જાયેલા અગ્નિકાંડમાં સિક્કિમની બે યુવતી મૃત્યુ પામી હતી. આ ગોઝારી ઘટનામાં ગુનાહિત બેદરકારી છતી થતા ઉમરા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમો અંતર્ગત કાયદાનો કોરડો વીંઝી જિમ સંચાલક અને સ્પા સંચાલકની વિધિવત ધરપકડ કરી હતી. તેમજ વિહિપના નેતા બિલ્ડર અનિલ રૂંગટાને ઉમરા પોલીસે હાજર થવા નોટિસ ફટકારી હતી. જેના પરિણામે તે આગામી 16મી તારીખ સુધી હાજર થશે એવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, આ અગ્નિકાંડ મામલે ફાયર, વીજતંત્ર અને ફોરેન્સિક રિપોર્ટ હજી પેન્ડિંગ હોવાના કારણે તપાસ ધીમી ગતિએ દોડી રહી છે. આ અગ્નિકાંડની તપાસ જી ડિવિઝન એસીપી વી.આર. મલ્હોત્રાને સુપરત કરવામાં આવી છે.
શું હતી સંપૂર્ણ ઘટના: સિટીલાઈટના શિવપૂજા શોપિંગ સેન્ટરમાં બુધવારે રાત્રે આગની ગોઝારી ઘટના બની હતી. સ્પામાં કામ કરતી નિમુ અને મનીષા નામની સિક્કિમની બે યુવતીઓ લાગેલી ભીષણ આગના કારણે ગૂંગળાઈને મૃત્યુ પામી હતી. પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી છે એ, આ મિલકત ભૂપત પોપટ નામની વ્યક્તિએ બિલ્ડર અનિલ રૂંગટાને વેચી હતી. તેમજ આ થયલ માટેનું ભાડું અનિલ રૂંગટા વસૂલતા હોવાની માહિતી ભૂપત લોહાણાએ પોલીસને રજૂ કરી છે.
ઘટના મામલે અનિલ રૂંગટાને તપાસના સંદર્ભે ગઈકાલે નોટિસ ફટકારી હતી. અનિલ રૂંગટા હાલ બહારગામ હોવાથી તેમના વકીલે પોલીસે જણાવ્યું છે કે, આગામી 16 નવેમ્બરના રોજ તે હાજર થશે.
આરોપીઓના રિમાન્ડની ફરી માંગણી: અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે, ઉમરા પોલીસે ફરીવાર શાહનવાઝ, વસીમ અને દીલશાદના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રિમાન્ડ રિવિઝન અરજી કરી છે. જેની આગામી 14 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. જો કે પોલીસે રિવિઝન અરજીમાં શિવપૂજા કોમ્પ્લેક્સની મિલકતનું ભાડું કોને ચુકવાતું હતું એ મુદ્દાનો છેદ ઉડાડી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા રિમાન્ડ અરજીમાં જુદા જુદા 9 મુદ્દા ટાંકવામાં આવ્યા છે, પરંતુ મિલકતના માલિક અનિલ રૂંગટાની સાથેના વ્યવહારો બાબતે કોઇ ઉલ્લેખ કરાયો નથી. પરિણામે આ બાબત વધુ ચર્ચાસ્પદ બની છે.
આ પણ વાંચો: