ઉલ્લેખનીય છે કે, ડીસા માર્કેટ યાર્ડમાં શાકભાજીની એકદમ ઓછી આવક થઈ રહી છે. જેના કારણે હાલમાં તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બહારથી આવતી પણ શાકભાજી હાલ ઓછા પ્રમાણમાં આવતી હોવાના કારણે શાકભાજીના ભાવો પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર હાલ ગૃહિણીઓના બજેટ પર જોવા મળી રહી છે. ડીસાને શાકભાજી માટે સૌથી મોટું માર્કેટયાર્ડ માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતાં જ મોંઘા શાકભાજી મળતા હાલ તમામ પ્રકારની મુશ્કેલીઓ લોકોમાં જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લોએ ખેતી આધારિત જિલ્લો છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં તેની સીધી અસર શાકભાજીના વેપારીઓમાં પણ જોવા મળી રહી છે. શાકભાજીના વેપારીઓનું માનીએ તો, હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક એકદમ ઓછી થઈ રહી છે. જેના કારણે નાના વેપારીઓને મોંઘા ભાવે શાકભાજી ખરીદી કરી વેચવી પડે છે.
ડીસા શાકભાજી માર્કેટ યાર્ડમાં ટામેટાના ભાવ 60 રૂપિયા કિલો, ફુલાવર-50 રૂપિયા, ચોળાફળી-30, ગવારફળી-25, રીંગણ-20, કોબીજ-25 થી 30 અને અન્ય શાકભાજી પણ મોંઘા ભાવે મળી રહ્યાં છે. જેના કારણે તેની સીધી અસર બજારોમાં જોવા મળી રહી છે. ખાસ બનાસકાંઠા જિલ્લાની માર્કેટયાર્ડમાં બહારની શાકભાજી આવતી હતી. જેના કારણે બજારના ભાવો સચવાઈ રહેતા હતા. બહારની શાકભાજી પણ બંધ થઇ જતા માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.