- જુદા જુદા પોલ્ટ્રી ફાર્મમાંથી 167 સેમ્પલો લઇ પરીક્ષણ અર્થે મોકલ્યાં
- ભારત પાકિસ્તાન સરહદ પરનાં પક્ષીઓનો પણ કરાયો સર્વે
- પશુપાલન વિભાગે વિવિધ ટિમો બનાવી હાથ ધર્યું સર્ચ ઓપરેશન
બનાસકાંઠા: જિલ્લામાં બર્ડ ફલૂ ફેલાય નહીં તે માટે જિલ્લાનાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ ટિમો બનાવીને પોલ્ટ્રી ફાર્મો તેમજ પ્રવાસી પક્ષીઓનાં નમૂનાં મેળવવાની પ્રક્રિયાને વધુ વેગવાન બનાવી છે. છેલ્લા થોડાક દિવસોમાં લેવાયેલા નમૂનાઓને તપાસાર્થે અમદાવાદ ખાતે મોકલીને તંત્ર દ્વારા હાલમાં પણ પૂરજોશમાં કામગિરી કરવામાં આવી રહી છે.
પોલ્ટ્રી ફાર્મમાંથી લેવાયેલા 167 સેમ્પલો અમદાવાદ ખાતે પરીક્ષણમાં
બનાસકાંઠા જિલ્લામાં બર્ડ ફલૂ ફેલાય નહીં તે માટે જિલ્લા વહીવટી તંત્રે સક્રિય તપાસ અભિયાન હાથ ધર્યું છે.જિલ્લા પશુપાલન વિભાગે બે દિવસ અગાઉ 150 મરધાઓના સેમ્પલ લઈ તેને અમદાવાદ પરીક્ષણ અર્થે મોકલ્યાં હતા,તો આજે જિલ્લાના જુદા જુદા મરઘા ફાર્મમાંથી 117 સિરમ અને 50 કવોકવોક જાતિના મરઘાંઓ એમ કુલ 167 મરઘાઓના સેમ્પલ લઈ તેમને પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલાયા છે.
ભારત-પાકિસ્તાન સરહદ પર વિદેશી પક્ષીઓનો સર્વે કરાયો
બનાસકાંઠાનાં સુઇગામ ખાતે આવેલ ભારત પાકિસ્તાનની સરહદ પર શિયાળાની ઋતુમાં હજારો વિદેશી પક્ષીઓ આવતાં હોય છે. તાજેતરમાં જ દેશભરમાં વિદેશથી આવતાં પ્રવાસી પક્ષીઓનાં બર્ડ ફ્લૂને કારણે મોત થયા હોવાથી પશુપાલન વિભાગે આવા પક્ષીઓનો પણ સર્વે કરી તકેદારીના પગલાં ઉઠાવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીને કારણે જ અત્યારસુધી બનાસકાંઠામાં એક પણ બર્ડફ્લૂ નો કેસ નોંધાયો નથી.