બનાસકાંઠાઃ દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ગુજરાતમાં 33 જેટલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયુ છે અને સરકાર દ્વારા ગુજરાતને લોકડાઉન કરવામાં આવતા જીવન જરૂરીયાત ચીજ વસ્તુ અને ઇમરજન્સી સેવાઓ સિવાય તમામ માટે બંધ રાખવા સુચના આપવામાં આવી રહી છે. જેના પગલે બનાસકાંઠાના પાલનપુર શહેરમાં પોલીસ દ્વારા તમામ મુખ્ય માર્ગો ઉપર પોલીસ દ્વારા ચાંપતો બદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
બિનજરૂરી અવર-જવર કરતા લોકોને રોકી પુછપરછ કરવામાં આવી રહી છે અને લોકોને ઘરની બહાર ન નિકળવા વિનંતી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જાહેર નામાનો ભંગ કરવાના ચાર ગુનાઓ દાખલ કરાયા છે. તેમ છતાં જો લોકો દ્વારા લોકડાઉનનો અમલ નહીં કરવામાં આવે અને બિનજરૂરી અવર જવર કરી જાહેર નામાનો ભંગ કરશે, તો તેવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમિત કેસોના કારણે તંત્ર વધુને વધુ કડકાઈ દાખવી રહ્યું છે અને લોકસહકાર ખુબજ જરૂરી હોવા છતાં પણ કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્ટની અવગણના કરી કોરોનાની ચેઈનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મંગળવારના રોજ તંત્ર વધુ કડક બન્યું હતું. જેમાં ઘરે જ રહેવાનો હુકમ કર્યો હોવા છતાં પણ વાહન ચાલકો, બાઈક સવારો રસ્તા પર ખુલ્લેઆમ ફરતા નજરે ચડ્યાં હતાં.
પોલીસ, આરોગ્ય વિભાગ સહિતની ટીમોએ મુખ્ય માર્ગો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે અને બિનજરૂરી લટાર મારવા નીકળેલા લોકોને અટકાવી ઘરે જ રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે, તેમ છતાં પણ જો કોઇ આ નિયમોનો ભંગ કરશે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ અપાઇ રહી છે.