બનાસકાંઠા : ડીસા તાલુકાના જુના ડીસા-વાસણા રોડ પર છેલ્લા ઘણા સમયથી નદીની રેતી ભરીને બેફામ રીતે ડમ્પરચાલકો પસાર થાય છે. દિવસભર પસાર થતા ડમ્પરના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. મોટાભાગના ડમ્પર પાછળ પ્લાસ્ટિક ન લાગ્યું હોવાના કારણે રેતી ઉડવાથી પાછળ આવતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે. ત્યારે આવા ડમ્પરોને ચાલતા બંધ કરવા માટે લોકોએ વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ બેફામ રીતે ચાલતા ડમ્પર બંધ ન થતા આ માર્ગ પર આવતા વાસણા, લુણપુર, સદરપુર સહિત આજુબાજુના ગામના લોકોએ ભેગા થઈ ડમ્પરોને અટકાવી ચક્કાજામ કર્યો હતો.
બેફામ ડમ્પરચાલક : બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી બનાસ નદી પસાર થાય છે. આ બનાસ નદીમાંથી ડમ્પરધારકો દ્વારા માટી બહાર લઈ જવાનું કામ કરવામાં આવતું હોય છે. ત્યારે બેફામ બનેલા ડમ્પરચાલકોની હડફેટે આવતા કેટલાય લોકોનો જીવ પણ ગયો છે. તેમ છતાં રાત્રી અને દિવસના સમયે આ ડમ્પરચાલકો બેફામ રીતે રસ્તા ઉપર ડમ્પર દોડાવતા હોય છે. ત્યારે આવા ડમ્પરચાલકો સામે તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ છે. જેથી પૂરઝડપે ટ્રક ચાલવાની કોઈ ચાલક હિંમત ન કરે અને કોઈને તેનો ભોગ બનવું ન પડે.
અમને માહિતી મળી હતી કે, જુના ડીસાથી વાસણા રોડ પર કેટલાક ડમ્પરચાલકોને સ્થાનિક લોકો દ્વારા અટકાવવામાં આવ્યા છે. પોલીસ આવી અને બંને વચ્ચે મામલો શાંત પાડવામાં આવ્યો હતો. હવે જે કોઈ બેફામ ડમ્પરચાલકો ધ્યાનમાં આવશે તો અમારા દ્વારા પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. -- જે.એચ. પાણ (ડીસા ગ્રામ્ય મામલતદાર)
સ્થાનિકોનું આંદોલન : આ અંગે સ્થાનિક રહેવાસી રમેશભાઈ જોષી અને હરેશભાઈ માળીએ જણાવ્યું હતું કે, જુના ડીસાથી જાબડીયા રોડ પર રોજના અસંખ્ય ડમ્પરચાલકો બેફામ રીતે ચાલે છે. જેના કારણે અન્ય વાહનચાલકો હેરાન થાય છે. ડમ્પરચાલકો તાડપત્રી ન બાંધતા પાછળ આવતા વાહનોને રેતી ઉડીને આંખમાં વાગતા અકસ્માત પણ થાય છે. ડમ્પરચાલક પાછળ આવતા વાહનોને ઓવરટેક પણ કરવા દેતા નથી. આ માટે અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. એટલે કંટાળીને અમે આજે ડમ્પરો અટકાવી વિરોધ કર્યો છે. જો આ માર્ગ પરથી ચાલતા ડમ્પર ચાલતા બંધ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
તંત્રની કાર્યવાહી : આ બાબતે ETV BHARAT દ્વારા ડીસા ગ્રામ્ય મામલતદાર જે.એચ. પાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે સવારમાં અમારા પર કોલ આવ્યો કે ડીસા તાલુકાના જુના ડીસાથી વાસણા રોડ પર કેટલાક ડમ્પરચાલકોને સ્થાનિક લોકો દ્વારા અટકાવવામાં આવ્યા છે. ત્યારે અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ આવી અને બંને વચ્ચે મામલો શાંત પાડવામાં આવ્યો હતો. તેમાં તપાસ કરતા એક ડમ્પર પાસ પરમીટ વગરનું હતું. જ્યારે બાકીના ડમ્પર કાયદેસર હતા. તેથી બાકીના ડમ્પરને જતા કરવામાં આવ્યા અને એક ડમ્પરને ડીસા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યું છે.