ડીસા: આદર્શ હાઇસ્કુલ પાછળ રોડ પરના ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પોલીસ કાફલા સાથે પહોંચી 12 જેટલા કાચા અને પાકા દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કર્યા હતા. તે સમયે સ્થાનિક દબાણદારો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો. જેમાં એક મહિલા દબાણ બાબતે વાત કરવા જતા ચીફ ઓફિસર પંકજ બારોટે તેને જાહેરમાં ગાળો બોલી હડધુત કરી હતી.
જાહેરમાં ગાળો: ચીફ ઓફિસર જાહેરમાં ગાળો બોલતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમની સામે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ ચીફ ઓફિસર વિરોધી સૂત્રોચાર સાથે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. ચીફ ઓફિસરના ચેમ્બર આગળ જ તેમની બદલીની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાએ આ ઘટનાને અયોગ્ય ગણાવીને બદલી કરવા સુધીની માંગ કરી દીધી છે. આ મામલે વિપુલ શાહે વાત કરતા ચોખવટ કરી છે.
"અમે અત્યાર સુધી નગરપાલિકાના ચીફ ઓફિસર લોકોને ગાળો બોલતા હોવાની વાતો જ સાંભળી હતી પરંતુ ગઈકાલે એક ગરીબ મહિલાને જાહેરમાં ગાળો બોલી અપમાનિત કરતાનો વિડીયો પણ જોયો. આ ચીફ ઓફિસરને પાલનપુરમાંથી તગડી મૂકવામાં આવ્યા છે તેમ છતાં પણ અહીંના સત્તાધીશોએ તેમને અહીં લાવ્યા છે ત્યારે આવા ચીફ ઓફિસરની બદલી કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ"-- વિપુલભાઈ શાહ (નગરપાલિકાના પૂર્વ પ્રમુખ)
પોલીસ પહોંચી નગરપાલિકા: ડીસા શહેર દક્ષિણ પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓએ સમજાવતા કોંગ્રેસ કાર્યકરોએ ઘરણા સમેટી લીધા હતા. એક પદ પર બેઠેલા વ્યક્તિના મો માંથી જ્યારે આ પ્રકારના શબ્દો નીકળે ત્યારે સવાલ ગરીમા પર ઊઠે છે અથવા પદ પર રહેલા અધિકારીની સમજશક્તિના દાયરા પર થાય છે. જોકે, આ અંગે ચીફ ઓફિસરે કોઈ પ્રકારનો ફોડ પાડ્યો નથી. પણ કોંગ્રેસ આ મુદ્દાને વધારે ગંભીરતાથી લઈને અધિકારી સામે કાયદેસરના પગલાં લેવા સુધીની માંગ કરી રહી છે.