બનાસકાંઠા : જોરાવાડા ગામમાં પીવાનું પાણી ન આવતા શાળામાંથી બાળકો અભ્યાસ છોડવા માટે મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના છેવાડાની શાળાના વિદ્યાર્થીઓ સારી રીતે ભણતર મેળવી શકે તે માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરી શાળાઓ બનાવી અત્યંત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ શાળામાં સુવિધાઓની વાતો દૂર રહી પરંતુ પાણીના બુંદ બુંદ માટે વિદ્યાર્થીઓ કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવા મજબૂર બન્યા છે.
શું છે સમગ્ર મામલો : વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર પાણીની બુંદ બુંદ માટે તરસે છે, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પીવા અને ખેતી કરવા માટે પાણીની સમસ્યા શરૂ થઈ જતી હોય છે. મોટાભાગના સરહદી વિસ્તારોમાં હાલ ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યાં પાણી માટે તકલીફો ઊભી થઈ ચૂકી છે. ખાસ કરીને અત્યાર સુધી તો માત્ર ગામોમાં જ પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હતી, પરંતુ હવે શાળાઓમાં પણ પીવાના પાણી માટેની સમસ્યાઓ જોવા મળી રહી છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના જોરાવાડા ગામની.
બોટલ ભરી ચાલતા બાળકો : ભાભર તાલુકાના જોરાવાડા ગામમાં આવેલું જોરાવાડા પ્રાથમિક શાળા ખાતે હાલમાં પીવાનું પાણી મળતું નથી. જેના કારણે અહીં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને પીવાનું પાણી ઘરેથી બોટલ ભરીને લાવવા માટે મજબૂર બનવું પડે છે. કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓ પીવાના પાણી ઘરેથી બોટલો ભરી ચાલતા આવવા માટે મજબૂર બન્યા છે. એક તરફ રાજ્ય સરકાર છેવાડાના બાળકો ભણી-ગણી અને આગળ વધે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં તો અભ્યાસ માટે આવતા બાળકોને પીવાનું પાણી પણ મળતું નથી. પાણી ન મળવાને કારણે બાળકોના શિક્ષણ પર જોવા મળી રહી છે.
શાળા છોડવા વિદ્યાર્થીઓ થયા મજબૂર : બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં નર્મદાની કેનાલ મારફતે ખેતી અને પિયત માટે પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ કેનાલો હજુ સુધી બનાસકાંઠા જિલ્લાના છેવાડા ગામ સુધી ન પહોંચી હોવાના કારણે આજે પણ અનેક ગામો અને શાળાઓ પાણી વગર ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જોરાવડા પ્રાથમિક શાળામાં 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રોજે રોજ ઘરેથી પાણીની બોટલ લઈ જવા માટે છેલ્લા ઘણા વર્ષથી મજબૂર બન્યા છે. મહત્વની વાત એ છે કે, જોરવાડા પ્રાથમિક શાળા ખાતે હાલમાં શાળા શરૂ થતાની સાથે જ બાળકોની સંખ્યામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે આ શાળામાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે.
પશુ પક્ષીઓ હેરાન પરેશાન : શિક્ષકો દ્વારા શાળામાં બાળકોને પાણી ઘરેથી મંગાવવા માટે રોજે રોજ સૂચનાઓ આપવી પડે છે, એક તરફ કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓનું માનવું છે કે ગામમાં પણ પીવાનું પાણી મળતું નથી. જેના કારણે દૂર દૂર સુધી પીવાના પાણી માટે પાણી ભરવા જવું પડે છે. જેમાં પણ સમય બગડે છે તો બીજી તરફ ઘરમાં પશુપાલનનો વ્યવસાય પણ હોય છે, પરંતુ પાણી વગર પશુપાલનનો વ્યવસાય કરવો પણ અઘરો બન્યો છે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ કામમાં મોટાભાગના વિદ્યાર્થીઓ શાળા છોડી ચૂક્યા છે.
સરકારમાં કરાઈ રજૂઆત : પાણીની વ્યવસ્થા કરવા માટે શાળાના શિક્ષકો દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સરકારમાં રજૂઆત કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી પાણી માટે કાયમી કોઈ જ શાળામાં વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર 15 દિવસમાં એક જ વાર પાણીના ટેન્કર દ્વારા શાળામાં બનાવેલા પાણીનું ટાંકો ભરવામાં આવે છે. શાળામાં પાણી ન આવતું હોવાના કારણે બાળકોની સંખ્યા પણ દિવસે અને દિવસે ઘટી રહી છે. જેને સીધી અસર શિક્ષણ પર જોવા મળી રહી છે. ત્યારે હાલ તો શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા શાળામાં પાઇપલાઇન દ્વારા પાણીની વ્યવસ્થા ઉભી કરી કાયમી જોરાવાડા પ્રાથમિક શાળા ખાતે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
બાળકોની વિનંતી સરકારને : આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી શાળામાં પાણી નથી આવતું તેના કારણે અમારે ઘરેથી બોટલ ભરીને આવવું પડે છે. ઉનાળાની સિઝન ચાલુ છે, એટલા માટે પાણી પણ વધારે પીવા માટે જોઈએ છે. બપોરે બોટલ જ્યારે પતી જાય છે, ત્યારે જો ઘરે પાછા પાણી ભરવા જઈએ તો લેટ થવાય છે. અભ્યાસ પણ બગડે છે. તેથી સરકારને નમ્ર વિનંતી છે કે, અમારી શાળામાં સત્વરે પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે.
છેલ્લા કેટલાક સમયથી અમારી શાળામાં પાણી આવતું નથી. પહેલા બાજુના ગામ કટાવમાંથી પાણી આવતું હતું, ત્યારે રેગ્યુલર આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નર્મદામાંથી પાણી આપવામાં આવે છે, ત્યારે પાણી આવતું જ નથી. કારણ કે ત્યાંથી જે સંપ છે. સંપમાં જ પાણી આવતું નથી. જેના કારણે અમારી શાળા સુધી પણ પાણી આવતું નથી. તેથી વિદ્યાર્થીઓને ઘરેથી બોટલ ભરીને આવવું પડે છે. વિદ્યાર્થીઓને પાણી ન આવવાને કારણે અભ્યાસ પણ બગડે છે. - ઈશ્વર દેસાઈ (આચાર્ય)
વિદ્યાર્થીનીએ છેવટે અભ્યાસ છોડ્યો : વિદ્યાર્થીની કાજલ રબારીએ જણાવ્યું હતું કે, અમે આમ તો ભણવા માટે જતા હતા, પરંતુ પાણી નથી આવતું જેના કારણે મોટી સમસ્યા ભોગોવી પડતી હતી. ઘરે કામ કરવું પડતું હતું, ખેતરમાં કામ કરવાનું હતું, જેથી પાણી ન મળતા અમે છેવટે ભણવાનું છોડી દીધું છે.