બનાસકાંઠા: ભલભલાના કાળજા કંપાવે એવી આ ઘટના બનાસકાંઠાના ડીસા તાલુકાના ચોરા ગામની છે. જ્યાં સીમમાંથી એક તાજું જન્મેલ શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શિશુને સારવાર અર્થે પ્રથમ ધાનેરા અને ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. તેને ત્યજી દેનાર સામે ગુનો નોંધી આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શિશુનો રડવાનો અવાજ સાંભળી જાણ થઇ : ડીસા તાલુકાના ચોરા ગામની સીમમાંથી તાજું જન્મેલ શિશુ મળી આવ્યું હતું. ગામની સીમા ઢોર ચડાવવા ગયેલા વ્યક્તિએ સીમમાં અવાવરુ જગ્યામાં બાળકીને રડવાનો અવાજ સાંભળી નજીક જઈને જોતા નવજાત શિશુ કપડામાં લપેટાયેલું જોવા મળ્યું હતું. જેથી આ અંગે તેઓએ ગામના આગેવાનોને જાણ કરતા આગેવાનોએ આગથળા પોલીસને જાણ કરી હતી. કોઈએ મજબૂરી વશ થઈને અથવા પોતાનું પાપ છુપાવવા શિશુ ત્યજી દેધાયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
ગ્રામજનોએ 108 વાનને જાણ કરી : બાળકને સારવાર માટે ધાનેરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ શિશુનું વજન જન્મ સમયે હોવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું હોવાથી વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયું હતું. આ મામલે આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આજે અમારી પર કોલ આવ્યો કે ડીસા તાલુકાના ચોરા ગામના પાટીયા નજીક કોઈ બાળક મળી આવ્યું છે. તમારી ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્યાં જઈને જોયું તો બિનવારસી હાલતમાં એક નવજાત પડેલું હતું. ત્યારબાદ તાત્કાલિક અમે પોલીસને જાણ કરી અને પોલીસના સહયોગથી તાત્કાલિક અમે તેને ધાનેરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યાં હતાં. શિશુનું વજન ઓછું હતું અને પરિસ્થિતિ થોડીક વીક હોવાને કારણે અમે તેને તાત્કાલિક ધોરણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દીધું છે. હાલ તેની તબિયત સારી છે અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે..ડો.મેહુલ માળી ( આરોગ્ય અધિકારી ધાનેરા )
અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ : આ બાબતે આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ડી. બી. ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને જાણ થઈ કે ચોરા ગામે પાટીયા નજીક એક નવજાત શિશુ મળી આવ્યું છે, ત્યારે તાત્કાલિક ઘટના સ્થળે અમારી પોલીસની ટીમ દોડી ગઇ હતી. ત્યાં જઈ તેને સારવાર અર્થે હાલ પાલનપુર ખસેડવામાં આવ્યું છે અને આ નવજાત શિશુને કોણ મૂકી ગયું એ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલ તપાસ ચાલુ છે.