બનાસકાંઠા: ગુજરાત સરકાર દ્વારા રેપિડ ટેસ્ટની કામગીરી શરૂ કરતાની સાથે જ કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગત એક મહિનામાં કોરોના વાઇરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોનાનો રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે કોરોના વાઇરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના કણોદર ગામમાં એક જ દિવસમાં કોરોનાના ૫૦ જેટલા પોઝિટિવ કેસ સામે આવતા કાણોદર ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે બાદ પાલનપુર તાલુકાના ગઢ ગામમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાં ગઢ ગ્રામ પંચાયત દ્વારા તમામ ધંધા-રોજગાર 2 વાગ્યા બાદ બંધ કરવામાં આવ્યા છે.
ધાનેરામાં વધી રહેલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસના કારણે ૧૨૩ જેટલા ગામડાઓને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તાજેતરમાં એક જ દિવસમાં રોજના ૪૦થી વધુ પોઝિટિવ કેસ સામે આવતાં ધાનેરા નાયબ કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે સાંજના 7થી સવારે 7 વાગ્યા સુધી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. કોરોના વાઇરસના સતત વધી રહેલા પોઝિટિવ કેસના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લાના લોકોને ફરજીયાત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરના ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2000 પર પહોંચી છે. આ ઉપરાંત જિલ્લાના 60થી વધુ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.