- રાજવી પરિવારમાં દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ
- રાજવી પરિવારના વંશજો દ્વારા અંબાજી મંદિરમાં પૂજા અર્ચના
- કોરોનાને લઇ યજ્ઞશાળામાં યાત્રિકોના પ્રવેશ પર નિષેધ
બનાસકાંઠા : દુર્ગાષ્ટમીનું મહત્વ રાજવી પરિવારમાં વિશેષ માનવામાં આવે છે. જેમાં દાંતા સ્ટેટ વખતના રાજવી પરિવારના વંશજો દ્વારા અંબાજી મંદિરમાં પૂજા અર્ચના બાદ નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. દર વર્ષે અંબાજી મંદિરમાં રાજવી પરિવારના દર્શન માટે તેમજ હવનના દર્શન માટે હજારોની સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે યજ્ઞશાળામાં યાત્રિકોના પ્રવેશ પર નિષેધ કરવામાં આવતા ચાચરચોકમાં સૂમકાર જોવા મળ્યો હતો. તેમજ હવનની વિધીના દૂરથી જ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.
નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમી પુર્ણાહુતી કરાઇ
આ હવનમાં હજારોની સંખ્યામાં લોકોએ શ્રીફળ આપ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ આ દુર્ગાષ્ટમીના દિવસે દાંતા સ્ટેટ વખતના રાજવી પરિવારનો હોમ યજ્ઞ કરવાનો એક અબાધિત હક છે. એટલું જ નહીં નિજ મંદિરમાં પણ આજના દિવસે તેઓ જાતે પૂજા કરતા હોય છે. રાજવી પરિવારજના જણાવ્યા મુજબ આ વખતે ચાચરચોકમાં યાત્રિકોનો સહકાર ન જોતા ભારે નિરાશા જોવા મળી છે. એટલું જ નહીં રાજવી પરિવારનો પણ મોટો મેળાવડો આ દુર્ગાષ્ટમીને દિવસે અંબાજી મંદિરના યજ્ઞશાળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતો હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના લઇને માત્ર 15 વ્યક્તિઓને જ પરવાનગી આપવામાં આવી હતી. તેમના દ્વારા હવન તેમજપૂજા કરવામાં આવી હતી. આ સાથે સવારથી શરુ થયેલા નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમી પુર્ણાહુતી કરવામાં આવી હતી.