- બનાસકાંઠા જિલ્લામાં અપહરણ અને દુષ્કર્મના બનાવોમાં વધારો
- થરાદ તાલુકાની યુવતીનું લાખણી તાલુકાના ટરૂવા ગામના શખ્સોએ કર્યુ અપહરણ
- 4 શખ્સો દ્વારા યુવતીની મરજી વિરુદ્ધ આચરવામાં આવ્યું દુષ્કર્મ
- પોલીસે 4 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
થરાદઃ બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનાર લોકોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ રોજે રોજ એક પછી એક મોટી મોટી ઘટનાઓ સામે આવેલી છે. સરહદી વિસ્તારોમાં અપહરણ અને દુષ્કર્મ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આ બાબતે આવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપનાર ગુનેગારો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આગામી સમયમાં વારંવાર બનતી અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ અટકી શકે તેમ છે.
યુવતીનું કરવામાં આવ્યું હતું અપહરણ
ડીસા મુકામે માસીના ઘરે ગયેલી થરાદ તાલુકાની યુવતીનું લાખણી તાલુકાના ટરૂવા ગામના પરમાર પથુભાઈ શંકરાભાઇએ ગત 25 સપ્ટેમ્બર રાત્રિના સુમારે ચાર વાગ્યે પરમાર ભુરા, પરમાર અશોક તથા પરમાર શીવા સાથે મળીને દવાવાળા રૂમાલથી યુવતીનું મો દબાવી બેભાન અવસ્થામાં અપહરણ કરી ગાડીમાં લઈ ગયા હતાં. તમામ શખ્સો તેણીને ઉંટવેલીયા ગામના ચરામાં લઇ આવ્યા હતા.જ્યાં યુવતી ભાનમાં આવ્યા બાદ તેણીએ બુમો પાડતાં પથુ નામના શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં યુવતીને ઝેરી દરા પીવડાવી
ત્યાર બાદ યુવતીને ઝેરી દવા પીવડાવી થરાદની નહેર પાસે લઇ ગયા હતા. જ્યાં આજુબાજુના લોકોને યુવતી બેભાન અવસ્થામાં પડી છે તેવી જાણ થતાં તાત્કાલિક ધોરણે આ યુવતીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ સમગ્ર ઘટનાની હકીકત યુવતીએ પોતાના માતાપિતાને કરતાં તેઓ પણ આ ઘટનાથી હતપત થઈ ગયા હતા. યુવતીના પિતાએ આ અંગે આરોપીને કહેવા જતાં તેમને અપશબ્દો બોલીને ધમકી આપી હતી કે જો ફરિયાદ કરશે તો તેમને તથા યુવતીને ગમે ત્યારે ઉપાડી જશે. જે બાદ યુવતીના પિતાએ તાત્કાલિક ધોરણે આ બનાવના પગલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે 4 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
થરાદ તાલુકાના હદ વિસ્તારમાં બનેલી યુવતીની અપહરણ અને દુષ્કર્મની ઘટના બાદ થરાદ પોલીસે યુવતી અને તેના પિતાની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં હવસખોર તથા તેના આ કૃત્યમાં મદદગારી કરનાર સહિત ચાર સામે ગુનો દાખલ કરી ત્રણની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.