બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં ખેડૂતોને વિવિધ સહાય મામલે સોમવારે ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જિલ્લાના થરાદમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ માંગણીઓને લઇ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારમાં વારંવાર કેનાલમાં ગાબડા પડવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આ તમામ ગામડાઓમાં કેનાલને સત્વરે રીપેર કરવામાં આવે અને અત્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માગ કરી છે.
આ ઉપરાંત કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં અનેક ખેડૂતો આર્થિક રીતે પડી ભાગ્યા છે, ત્યારે ખેડૂતોને કીટ આપવામાં આવે તેમજ ગત વર્ષે તીડના આક્રમણના કારણે પણ અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં પણ સરકારે જાહેરાત કર્યા બાદ પણ હજુ સુધી ખેડૂતોને સહાય આપવામાં આવી નથી, ત્યારે આ ખેડૂતોને નુકશાન અંગે તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી પણ માગ સાથે ભારતીય કિસાન સંઘે થરાદના નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.