બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સામે અત્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, જો કે હજુ સુધી કોઈ જ દવા ન મળતા રોજે રોજ કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી રહી છે. જે દરમિયાન શુક્રવારવા બનાસકાંઠાની પાલનપુર કોવિડ હોસ્પિટલ ખાતે પણ વધુ એક દર્દીનું મોત થયું છે.
મૃતક શંકરભાઈ પરમાર 17 મેના રોજ અમદાવાદથી ડીસા તાલુકાના સદરપુર ગામે આવ્યા હતા. ત્યારબાદ કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેઓને 23 મેના ડીસા કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરી તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા અને 24 મેના તેઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. જોકે બાદમાં તેઓની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે પાલનપુરની કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમિત કુલ 5 લોકોના મોત થયા છે.