- પાડણ ગામે આજદિન સુધી પાણી મળ્યું નથી
- જો બે દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતો કરશે આત્મ વિલોપન
- વારંવાર રજૂઆતો કર્યાં છતાં પાણી નથી આવતું
- અધિકારીઓ કહે છે જે થાય તે કરી લોઃ ખેડૂતોના આક્ષેપ
બનાસકાંઠાઃ બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેટલાય ગામડાઓના ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત છે. સરહદી વિસ્તારના લોકો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા આવ્યા છે. જયારે પાડણ ગામના ખેડૂતોની હાલત અત્યંત ગંભીર છે. પાડણ ગામે આજદિન સુધી નર્મદાનું સિંચાઇ માટે પાણી આવ્યું નથી. જો બે દિવસમાં પાણી નહીં મળે તો ગામના ખેડતો નર્મદાની કચેરીમાં આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
પાડણ ગામે આજદિન સુધી પાણી મળ્યું નથી
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શિયાળો આવતાની સાથે છેવાડાના ગામડાઓમાં સિંચાઇ માટે નર્મદાનું પાણી ના મળતા નર્મદાના અધિકારીઓનો કકળાટ ઉઠવા પામ્યો છે. જોકે પાડણ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, શિયાળુ સિઝન ચાલુ થયાને એક મહિનો થવા આવ્યા છતાં અમારા ગામમાં નર્મદાનું પાણી આવ્યું નથી. અમે ખેડ ખાતર અને બિયારણમાં મોટા પાયે ખર્ચો કરી નાખ્યો છે અને જો હવે પાણી નહીં આવે તો અમે પાયમાલ થઈ જઇશું.
![Banaskantha News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-chimki-gjc1009_04122020113314_0412f_1607061794_1096.jpg)
બનાસકાંઠાના છેવાડાના ગામડાઓમાં છેલ્લા કેટલાય સમયથી નર્મદાના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે, પણ વિભાગના જાડી ચાબડી અધિકારીઓ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે સુઇગામ તાલુકાના પાડણ ગામના ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જો અમને બે દિવસમાં સિંચાઇ માટે પાણી નહીં મળે તો અમે બધાય ખેડૂતો નર્મદા વિભાગની ઓફિસે આત્મવિલોપન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
વારંવાર રજૂઆતો કર્યાં છતાં પાણી આવતું નથી
બનાસકાંઠાના સરહદી વિસ્તારના એવા કેટલાય ગામડાઓ છે, જ્યાં નર્મદાના પાણીથી વંચીત છે. બનાસકાંઠાના સરહદી વાવ અને સુઇગામ તાલુકાના છેવાડે આવેલા ગામોમાં રવિ સિઝનને એક મહિનો થઇ ગયો છતાં હજુ સુધી નર્મદાનું સિંચાઇ માટે પાણી મળતું નથી. જોકે સુઇગામ તાલુકાના પાડણ ગામના ખેડૂતોની પણ એવી જ હાલત છે. રવિ સિઝનનો એક મહિનો થવા આવ્યો છતાં આજ દિન સુધી નર્મદાનું એક પણ ટીપું પાણી આવ્યું નથી. પાડણ ગામના ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને કેટલીય વાર લેખિત અને મૌખિક રજૂઆતો કર્યા છતાં જાડી ચબડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.
અધિકારીઓ કહે છે જે થાય તે કરી લોઃ ખેડૂતોના આક્ષેપ
પાડણ ગામના ખેડૂતોને શિયાળુ સિઝન માટે જીરું, એરંડા, વરિયાળી, ઇસબગુલ જેવા પાકોનું નર્મદાનું પાણી આવશે તેવી આશાએ વાવેતર કર્યું હતું. ખેડ ખાતર અને બિયારણના લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેડૂતો બેઠા છે, પણ નર્મદાનું પાણી ના આવતા ખેડૂતો મુશ્કેલીમાં પડ્યા છે. જો હવે પાણી નહીં આવે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવું લાગી રહ્યું છે. પાડણ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે નર્મદાના અધિકારીને રજૂઆત કર્યા બાદ અધિકારી એવું કહે છે કે, તમારે જે કરવું હોય તે કરો તેવા ખેડૂતો આક્ષેપો કર્યા હતા.