બનાસકાંઠામાં થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ સીટ કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુરૂવારે થરાદના રાહ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં ચૂંટણી સભાનું આયોજન કરાયુ હતું. જ્યાં અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
અમિત ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટેની અપીલ કરીં હતી. ચૂંટણી સભામાં અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને અનેક મુદ્દાની આડમાં ભાજપ પર ચાબખા માર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસને છ વિધાનસભા બેઠક પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થરાદમાં અનેક કામો બાકી છે જેના કારણે લોકો ભાજપને જાકારો આપશે તેમજ યુવાનો, ખેડૂતો અને લોકો ભાજપના શાશનથી ત્રાસી ગયા છે.
અમિત ચાવડાએ પશુપાલકોના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, સરકારે વિદેશી ડેરીઓ માટે લાલ જાજમ પાથરીને પશુપાલકોને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. તો માવજીભાઈ પટેલના ભાજપમાં જવાના મુદ્દે અમિત ચાવડાએ કહ્યું હતું કે, માવજીભાઈ 2017માં પણ અપક્ષ ચૂંટણી લડ્યા હતા જનતા કોંગ્રેસ સાથે જ છે અને રહેવાની છે.