બનાસકાંઠા : રાજ્ય સહિત હાલમાં કોરોના વાઇરસે સમગ્ર દેશ અને દુનિયાને ભરડામાં લઈ લીધો છે, ત્યારે બનાસકાંઠામાં પણ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં સરકારે અનલોક-1 જાહેર કર્યું છે, પરંતુ હજુ પણ જાહેર મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલુ છે. તેમ છતાં પણ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં વિવિધ જગ્યાએ કાર્યકરો સાથે મેળાવડાઓ યોજી વિવાદમાં આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે જ ફરી સક્રિય થવાના મૂડમાં આવેલા અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ અને અમીરગઢ તાલુકામાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ગઈકાલે ગુરુવારે સવારે 11:30 કલાકે અલ્પેશ ઠાકોર સૌ પ્રથમ વડગામ તાલુકાના નાગલપુરા ગામે કાર્યકરો સાથે બેઠક યોજી હતી, ત્યારબાદ મોરીયા ગામે કાર્યકરના ઘરે જમ્યા હતા અને ત્યારબાદ દાંતા તાલુકાના જગતાપુરા બાદ પાલનપુરના ભટામલ અને સાંજે અમીરગઢના લક્ષ્મીપુરા ગામે અસંખ્ય કાર્યકરો સાથે બેઠક યોજી બનાસકાંઠા જિલ્લામાંથી સાંજે 7 કલાકે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે અનલોક-1માં પણ જાહેર મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં પણ અલ્પેશ ઠાકોરે કોઇપણ જાતની પરવાનગી વગર કાર્યક્રમ યોજ્યો હતો અને તેમાં પણ કાર્યકરોએ ન તો માસ્ક પહેર્યું કે ન તો સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું. આમ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા અલ્પેશ ઠાકોર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને અલ્પેશ ઠાકોર સામે કલેકટરના જાહેરનામાનો ભંગની ફરિયાદ દાખલ કરવા માટે લોક માગ ઉઠી છે.
નોંધનીય છે કે પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અગાઉ લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટે આહવાન કર્યું હતું, પરંતુ અહીં તેઓની કથની અને કરણી અલગ જોવા મળી છે, જો કે આ મામલે બનાસકાંઠા OCB એકતા મંચના પ્રમુખે સફાઈ આપતા જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર તો લોકોને માસ્ક વિતરણ કરવા માટે આવ્યા હતા.