બનાસકાંઠાઃ ખેતી અને પશુપાલનમાં બનાસકાંઠા જિલ્લો આગળ પડતો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી કરતા હતા, પરંતુ સમય બદલાવાની સાથે એશિયાની નંબર વન બનાસ ડેરીની સ્થાપના બનાસકાંઠા જિલ્લામાં થતા મોટાભાગના ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે. હાલમાં બનાસ ડેરી દ્વારા દૂધના સારા ભાવ આપવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન વ્યવસાય પણ કરી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 24 પશુવાન એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આમ તો ગુજરાત સરકાર દ્વારા માનવજીવનને અકસ્માત કે અન્ય મોટી બિમારીઓમાં સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં 108 એમ્બ્યુલન્સ વાનની સુવિધા ચાલુ કરવામાં આવી હતી. આજે મોટાભાગે દરેક જગ્યાએ 108 એમ્બ્યુલન્સ મારફતે અનેક મહામૂલી જિંદગી બચી છે. ત્યારે આવી જ રીતે પશુઓ માટે કામ કરતી પશુવાન એમ્બ્યુલન્સ પણ પશુપાલકો માટે શરૂ કરવામાં આવી છે.
પશુવાન દ્વારા પશુપાલકના ઘરે જઈને પશુ બિમાર હોય તેવા પશુઓને તમામ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવશે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં આ પશુવાન એમ્બ્યુલન્સનો લાભ મળશે. પહેલા જ્યારે પશુઓના હોસ્પિટલો ન હતા, ત્યારે ગામડાઓમાંથી પશુપાલકોને પોતાના પશુઓને લઇને દૂર દૂર સુધી જવું પડતું હતું. આ બાબતે પશુપાલકોએ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને રૂબરૂ મુલાકાત કરી જાણ કરી હતી.
ડીસાના ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લામાં 100 પશુ એમ્બ્યુલન્સની માંગણી સરકાર પાસે કરી હતી, આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લામાં 24 પશુ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. ડીસાના ધારાસભ્યે પશુવાન એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યું હતું.