બનાસકાંઠા: જિલ્લાના ડીસા તાલુકા સંઘમાં તપાસ દરમિયાન 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવતા જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ડીસા તાલુકા સંઘના તમામ વ્યવસ્થાપક કમિટીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. જેથી સહકારની કલમ 81 મુજબ તાલુકા સંધનો વહીવટ ગેરરીતી મુજબ થઇ રહ્યો છે. ત્યારે વહીવટદાર કેમ નિયુક્ત ન કરવો તે માટેના ખુલાસા માટે તમામ સભ્યોને જિલ્લા રજિસ્ટારે નોટિસ પાઠવી છે.
સહકારી ક્ષેત્રમાં કૌભાંડની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ઊંઝા APMCના કૌભાંડની તપાસ હજુ પૂર્ણ નથી. ત્યાં ડીસા તાલુકા સંઘની ગેરરીતિ સામે આવી છે. ખેડૂતો અને આગેવાનોની ફરિયાદોના આધારે જિલ્લા રજિસ્ટ્રારે તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવતા ડીસા તાલુકા સંઘની વ્યવસ્થાપક કમિટીને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે, સહકારની કલમ 81 મુજબ તાલુકા સંઘનો વહીવટી ગેરરીતિ મુજબ થઇ રહ્યો છે. ત્યારે વહીવટદાર કેમ નિયુક્ત ન કરવો તે માટેના ખુલાસા માટે તમામ સભ્યોને નોટિસ પાઠવી છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ગેરરીતિની બાબતો સામે આવતાં તાલુકા સંઘના વ્યવસ્થાપક કમિટીમાં રહેલા સભ્યો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકા સંઘના તમામ વહીવટ ચેરમેન દ્વારા કૌભાંડ થતો હતો. જેથી ગેરરિતી મામલે તેઓ કંઇ જાણતા નથી અને જો તેમાં ગેરરીતિ હોય તો સરકારના નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ તેવું વ્યવસ્થાપક કમિટીના સભ્યો પણ કહી રહ્યા છે.
બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં ખેડૂતોના હિત માટે ખેડૂતો દ્વારા 1955માં ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં બનાવવામાં આવેલા આ સંઘમાં 2017 થી સત્તા પરિવર્તન બાદ અનેક ગેરીનીતિઓ થઈ રહી હોવાની રજૂઆત ખુદ સંઘના ડિરેક્ટરો અને ખેડૂતો દ્વારા જિલ્લા રજિસ્ટારને કરતા રજિસ્ટારે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન અનેક ગેરીનીતિઓ સામે આવી હતી. જેમાં રૂ 40 લાખનું સ્ટોક ખરાબ થયાનું બતાવી ગેરનીતિ કરાઈ હતી. તો રજિસ્ટ્રેશન વગરની અનેક મંડળીઓને ખાતર આપી સ્ટોક સગેવગે કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમજ દુકાનોમાં બંધ કવરમાં ભાવ મંગાવી વેચાણ કરતા સંઘને વ્યાપક નુકસાન જણાઈ આવેલ સાથે મગફળી ખરીદીમાં 400 બોરી ગોડાઉન માટે રવાના કરેલ જે ગોડાઉનમાં ન પહોંચતા રૂ 6.44 લાખ ફંડમાંથી ચૂકવી સંઘે નુકસાન કરાવેલ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.
આ સાથે ચેરમેન દશરથ દેસાઈ દ્વારા સંઘમાં ભરતીમાં પારદર્શકતા ન હોવાનું સામે આવ્યું તો ભાડા ભથ્થાઓમાં રૂ 1.48 લાખ બોર્ડની મંજૂરી વગર ચેરમેન દશરથ દેસાઈ દ્વારા રકમ ચૂકવી દેવામાં આવતા સંઘને નુકસાન થયાનું માલુમ પડતા હવે જિલ્લા રજિસ્ટારે ચેરમેન સહિત 19 બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ પાઠવી 6 ઓક્ટોબરના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે.
આ સાથે કલમ 81 મુજબ બોર્ડ ઓફ ડિરેકટરોની બેદરકારી અને નિષ્કાળજી દાખવેલી તે બદલ બોર્ડની સત્તાઓ દૂર કરી વહીવટદાર નિમવા કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે, આ બાબતે બોર્ડ ઓફ ડિરેક્ટરે જણાવ્યું હતું ક, ગેરનીતિઓ બાબતે અમને કોઈ જ જાણ નથી. બોર્ડમાં ક્યારેય કોઈ બાબતની ચર્ચા થઈ નથી. અમે પણ ઇચ્છતા હતા કે, તપાસ થવી જોઈએ. ચેરમેન મનમાની ચલાવી એક હથ્થું શાસન ચલાવી રહ્યા હતા અને અમે તો એવું માનીએ છીએ કે, વહીવટદારની નિમણુંક થાય અને ગેરનીતિ કરનારા સામે ફોજદારી ગુનો દાખલ કરે.
સંઘમાં ગેરનીતિઓ બાબતે અનેક વખત ખેડૂતો અને સંઘના ડિરેક્ટરોએ પણ રજૂઆત કર્યા બાદ જિલ્લા રજિસ્ટારની કમિટીએ તપાસ કૌભાંડો બહાર લાવ્યા છે. ત્યારે હવે ખેડૂતોની સંસ્થા સાથે ગેરીનીતિઓ કરનાર સામે ફોજદારી ગુનો દાખલ થાય અને કડક કાર્યવાહી થાય તે માટે ખેડૂતોની માંગ છે. ડીસા તાલુકા સંઘના વ્યવસ્થાપક કમિટીને અનેક ગેરરીતિઓ સામે આવી છે. જે ગેરરીતિઓ મામલે ખુલાસા કરવા અશક્ય છે.
- ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા નથી.
- ચેરમેને ભાડાની રકમ 1.48 લાખ મનસ્વી રીતે ચૂકવી.
- રોજબરોજની સિલ્ક કરતા બેન્કમાં વધુ રકમ જમા કરાવવી.
- સ્ટોકની ભૌતિક ચકાસણી સમયાંતરે ન થતા બેદરકારી દાખવી.
- 40 લાખનો સ્ટોક બગડી ગયેલો બતાવી માંડવાળ કરેલ.
- 2 કરોડનો માલસ્ટોક છે, પણ હાજર સ્ટોક નથી.
- જે મંડળીઓને ઉધાર આપવામાં આવેલ તે મંડળી લાયસન્સ ધરાવતી નથી.
- સિલક ઉક્ત સમયની ચકાસણી કરતા વધુ સિલક હાથ પર રાખેલ છે.
- સંઘ દ્વારા બનાવાયેલ શોપિંગમાં ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર આચરેલ.
- 400 બોરી મગફળી ગોડાઉન સુધી પહોંચી નથી.