બનાસકાંઠા : જિલ્લામાં બાયો ડીઝલના નામે ગોરખ ધંધો થઇ રહ્યો છે. આ બાયો ડીઝલ બજારમાં મળતા ડીઝલ કરતા 20 રૂપિયા સસ્તુ છે અને ડીઝલ ખાસ કરીને ખેડૂતોને મળતું હોય છે. બાયો ડીઝલના પંપો પણ અલગ હોય છે, પરંતુ જ્યારથી બાયો ડીઝલનું વેચાણ ચાલુ થયું છે, ત્યારથી બાયો ડીઝલના નામે ટેક્સ ચોરીના બનાવો પણ એક પછી એક સામે આવી રહ્યા છે. બાયો ડીઝલ પંપો ચલાવતા ઇસમો દ્વારા મોટાપાયે કર ચોરી કરવામાં આવે છે. જે અંગે બાતમી મળતા પાલનપુર SOG અને પુરવઠા વિભાગની ટીમે નવી RTO કચેરી સામે આવેલા એક વાડામાંથી બાયો ડીઝલ ઝડપી લીધુ છે.
મોઇન શેખ નામનો ઇસમ આ વાડો ચલાવતો હતો અને આ વાડામાં સંગ્રહ કરવામાં આવેલું 2300 લીટર બાયો ડીઝલ પણ જપ્ત કર્યું છે. ટીમે એક પ્લાસ્ટિકની ટાંકી બાયો ડીઝલનો જથ્થો, એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુલ 2300 લીટર બાયો ડીઝલના જથ્થા સાથે કુલ 1.33 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.
મહત્વની વાત છે કે, આ જે બાયો ડીઝલ ઝડપાયું છે, તે FCI ગોડાઉનના વાહનોમાં અંદર ભરવામાં આવતું હતું. કારણ કે, બજારના ડીઝલના ભાવ કરતા બાયો ડીઝલ 20 રૂપિયા સસ્તું પડે છે. તેને લઈને આ બાયો ડીઝલ માફિયાઓ ખેડૂતોના નામે અલગ-અલગ બાયો ડીઝલના પંપ પરથી કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવ્યા વગર બાયો ડીઝલ પોતાના વાડામાં લઈને આવતા હતા અને તે FCIના ગોડાઉનમાં ચાલતી અલગ-અલગ ગાડીઓની અંદર ભરતા હતા અને આમ ટેક્સ ચોરીની સાથે સાથે બેનામી નફો પણ કમાતા હતા.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ રવિવારે બનાસકાંઠા SOG અને પુરવઠા વિભાગની ટીમે કર્યો છે. આ કૌભાંડ આચરનારા મોહીન શેખ નામના ઇસમને પણ ઝડપી લીધો છે. આ મહિનામાં જ બનાસકાંઠા અનેક બાયો ડીઝલના 8 પંપો પર કર ચોરીને લઈને રેડ કરવામાં આવી હતી અને જિલ્લામાં 8 બાયો ડીઝલના પંપને સીલ પણ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, બનાસકાંઠા LCBની તપાસમાં કેટલા માફિયાઓના નામ ખૂલે છે અને કેટલી કર ચોરી બહાર આવે છે.