બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના કીડોતર નજીક ગુરુવારે ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. અમીરગઢ તાલુકાના કિડોતર ગામના ઓબસિંહ લાલસિંહ ડાભીનું ઘર રેલવે ટ્રેકની બાજુમાં આવેલું છે. તેથી તેમને વારંવાર કોઈ કામથી બહાર જવાનું થાય તો આ રેલવે ટ્રેક ઓળંગીને જવાનું હોય છે. ત્યારે ઓબસિંહ લાલસિંહ તેમની પૌત્રીઓ કુષાબા ઉં.વ 5 અને કાજલબાં ઉં.વ 2 સાથે સવારે 11 : 45 કલાકના સુમારે રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા. ત્યારે અચાનક આવેલી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી ગયા હતા.
"અમીરગઢ તાલુકાના કીડોતર ગામના ઓબસિંહ લાલસિંહતેમની પૌત્રીઓ કુષાબા ઉં.વ 5 અને કાજલબા ઉં.વ 2 સાથે રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા. ત્યારે અચાનક આવેલી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ ટ્રેનની અચાનક અડફેટે આવી જતા બંને દીકરી અને દાદાના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યા છે. ત્યારે રેલ્વે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે."-- એચપી દેસાઈ (રેલવે પોલીસના પી.આઇ)
મોતનો માતમ છવાયો: તાત્કાલિક પોલીસને જાણ કરતા રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ ટ્રેનની અચાનક અડફેટે આવી જતા બંને દીકરી અને દાદાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચાર મળતા સમગ્ર કીડોતર ગામમાં મોતનો માતમ છવાયો છે.