બનાસકાંઠાના વડગામ તાલુકાની 46 ગ્રામપંચાયતોના તલાટીઓએ વર્ષ 2018-19માં પોતાની પંચાયતમાં કરવામાં આવતી તમામ સરકારી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવીને નબળી કામગીરી કરી હોવાથી તેમજ આ ઉપરાંત તેમને પોતાની પંચાયતના ગામોમાંથી 50 ટકાથી ઓછો વેરો વસુલાત કર્યો હતો.
જેને લઈને વડગામ તાલુકા પંચાયતના TDO અમૃત પરમારે એક્શનમાં આવી 46 તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે તેમજ તલાટીઓની ગંભીર લાપરવાહીના કારણે તેમના પગાર અટકાવવા અને તેમના ઇજાફા અટકાવવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈને તલાટી આલમમાં ફડફડાટ વ્યાપી ગયો છે. જોકે આ બાબતે એક પણ તલાટી કશુંજ બોલવા તૈયાર નથી.
સરકારના લાખો રૂપિયાનો પગાર લેતા તલાટીઓએ પોતાની ફરજ પર બેદરકારી દાખવતા વડગામ TDOએ તલાટીઓ ઉપર કાયદાનો સિકંજો કસ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આવા બેદરકાર તલાટીઓ ક્યારે ગંભીર બનીને પોતાની ફરજ નિભાવે છે.