- અમીરગઢ બોર્ડર પરથી 5 રિવોલ્વર સાથે 2 શખ્સ ઝડપાયા
- પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન રિવોલ્વર ઝડપી
- 2 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠાઃ જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે, જેના કારણે દર વર્ષે રાજસ્થાનમાંથી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે. ખાસ કરીને અત્યાર સુધી જિલ્લાની રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પરથી વિદેશી દારૂ અને હથિયારો ઝડપાતા, પરંતુ હવે રાજસ્થાનના પરપ્રાંતીય વ્યક્તિઓને જાણે ગુજરાતની પોલીસથી કંઈ ડર જ ન હોય તેમ એક બાદ એક કેફી પદાર્થોની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પરથી અનેક વાર ગેરકાયદેસર હથિયારો ઝડપાયા છે. ત્યારે પોલીસ પણ હવે આવા તત્ત્વો સામે નજર રાખી નશીલા પદાર્થનો તેમ જ હથિયારો રાજસ્થાનમાંથી જિલ્લામાં પ્રવેશતા નેટવર્કને અટકાવવા માટે સક્રિય બની છે. એક જ વર્ષમાં અનેક જગ્યાઓ પરથી બનાસકાંઠા જિલ્લામાં પોલીસે કેફી પદાર્થો તેમજ હથિયારો ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
અમીરગઢ બોર્ડર પરથી હથિયારો ઝડપાયા
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલો બનાસકાંઠા જિલ્લો ધીમેધીમે ગુનાનું પાટનગર બની રહ્યો છે. આજે પણ અમીરગઢ બોર્ડર પરથી વાહન ચેકિંગ દરમિયાન 5 દેશી રિવોલ્વર સાથે 2 શખ્સોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ પોલીસ આજે વાહન ચેકિંગમાં હતી. તે સમયે રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસ થોભાવી તેની તપાસ કરી હતી. તે સમયે આ લક્ઝરી બસમાં છેલ્લી સીટ પર બેઠેલો એક ઉત્તરપ્રદેશનો શખ્સ શંકાસ્પદ જણાતા પોલીસે તેની તપાસ કરી હતી. ત્યારે તેની પાસે રહેલા થેલામાંથી 5 દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. આથી પોલીસે તેની અટકાયત કરી 5 રિવોલ્વર સહિત 27,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો- ગાંધીનગરમાં 5 દિવસ પહેલા ફાઈવ સ્ટાર હોટેલના કર્મચારીની હત્યા કરનારા 4 આરોપીની ધરપકડ
પોલીસે તપાસ શરૂ કરી
અમીરગઢ બોર્ડર પરથી ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછ કરતા વધુ એક વ્યક્તિનું નામ ખૂલ્યું હતું. આથી પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વારંવાર ગેરકાયદેસર હથિયારો તેમ જ નશીલા પદાર્થો અમીરગઢ બોર્ડર પરથી રાજસ્થાની શખ્સો દ્વારા મોકલવામાં આવતા નેટવર્કને ઝડપી પાડવા માટે પોલીસ સક્રિય બની છે અને અત્યાર સુધી અનેક શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.