બનાસકાંઠા : જિલ્લામાં કોરોના વાઇરસ કહેર વરસાવી રહ્યો છે. ત્યારે ધાનેરામાં દિવસેને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપી ગતિએ વધારો થઇ રહ્યો છે. તેવામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે નાયબ કલેક્ટરે કન્ટેન્મેન્ટ એરિયામાં ધારા 144 લાગુ કરી છે. ધાનેરામાં 23 જેટલા કન્ટેનમેન્ટ એરિયા છે, જે તમામ એરિયામાં સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરમાં માસ્ક અને સોશિયલ બાબતે લોકો બેદરકાર બનતા અત્યારે 125 કરતા પણ વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 40 જેટલા કેસ હાલ એક્ટિવ છે. ત્યારે કોરોના વાઇરસ શહેરને વધુ ભરડામાં ન લે તે માટે નાયબ કલેકટર વાય.પી.ઠક્કરે ધારા 144 લાગુ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.