અરવલ્લી: છેલ્લા કેટલા મહિનોઓથી ખાસ કરી કોરોના પછી યુવાનોમાં હાર્ટ અટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લગભગ દર બીજા ત્રીજા દિવસે યુવાનોમાં અચાનક હાર્ટ અટેકથી મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. રમત રમતા યુવાનો હ્રદય રોગના હુમલાના શિકાર બની રહ્યા છે. રમત રમતા અનેક યુવાનો મેદાનમાં કે પછી ઘરે આવી ઢળી પડ્યા હોવાના અનેક કેસ સામે આવી રહ્યા છે. હવે અરવલ્લીમાં પણ એક કિશોર ક્રિકેટ રમતા-રમતા યુવક મોતને ભેટતા ભારે ચકચાર મચી છે.
ક્રિકેટ રમતા-રમતા મોત: મળેલી માહિતી અનુસાર મોડાસા શહેરની ગોવર્ધન સોસાયટીમાં રહેતો અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો 20 વર્ષીય યુવક મિત્રો સાથે મોડાસા બસ સ્ટેન્ડ રોડ પર આવેલા ખડાયતા બોર્ડિંગના મેદાનમાં ક્રિકેટ રમતા રમતા અચાનક મેદાનમાં ઢળી પડતા બેભાન થઇ ગયો હતો. તાબડતોડ સારવાર અર્થે ખસેડાતા સારવાર મળે તે પહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
શંકાસ્પદ રીતે હાર્ટ અટેક: ક્રિકેટ રમતા યુવકનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા ક્રિકેટ પ્રેમીઓ સહીત સોની સમાજના શોકનું મોજું ફરી વળ્યું હતું. ડાન્સ કરતી વખતે તો જીમમાં કે વરઘોડામાં નાચતા હાર્ટ અટેક આવી જતાં મોત થયાના કેસ સતત વધી રહ્યાં છે. બે દિવસ પહેલા જ સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. તો રાજકોટમાં પણ પુત્રના લગ્નના દિવસે જ 50 વર્ષના મહિલાને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું.
હાર્ટ અટેકમાં વધારો: થોડા દિવસ પહેલા પણ રાજકોટના રીબડામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાં ધોરણ 10ના એક વિદ્યાર્થીને ગુરુપૂર્ણિમાના દિવસે જ હાર્ટ એટેક આવ્યો હતો. જે ઘટનામાં આ વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં વધુ એક નાની વયના યુવાનનું મોત થયું છે. યુવકનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયાની આશંકા છે.