- અરવલ્લીના અનેક ગામડાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- ઘરે-ઘરે જઈને લોકોને મતદાન કરવા માટેની લેવડાવી પ્રતિજ્ઞા
- લોકોને મતદાનનું મહત્વ સમજાવી ભરાવ્યા હતા સંકલ્પ પત્રો
અરવલ્લી: જિલ્લાના ભિલોડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને અરવલ્લી જિલ્લા વહિવટી તંત્ર દ્રારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વહિવટી તંત્રના અધિકારીઓ દ્રારા અરવલ્લી જિલ્લાના ભિલોડાના અંતરીયાળ ગામડાઓમાં લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને મતદાન કરવા જાગૃત કરાયા
રાજ્યમાં રાજ્યચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. અરવલ્લી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ભીલોડાના વિવિધ ગામોમાં મતદાન કરવા મતદારોને પ્રેરણા આપવામાં આવી હતી. ચાલુ વર્ષમાં નવા ઉમેરાયેલા મતદારો મતદાન કરે આ ઉપરાંત તમામ મતદારો આ મતદાનની પ્રક્રિયામાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભીલોડાના વાંસળી, ચુનાખણ, ટાકાટૂકા, ટોરડો, બુધરાસણ સહિતના ગામડાઓમાં વહિવટી તંત્રના અધિકારીઓએ મુલાકાત કરી હતી. જેમાં ઘરે-ઘરે જઈને લોકોને મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ગત ચૂંટણીમાં જે ગામડાઓમાં મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી તેવા ગામડાઓમાં મતદારોમાં મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા સંકલ્પ પત્ર ભરાવવામાં આવ્યા હતા.